દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવ) ગામેથી એક કુવામાંથી મૃત હાલતમાં દીપડો મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે સ્થાનીક ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓને જાણ થતાં ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં.
લીમખેડાના ખીરખાઈ (દેવધા) ગામે રહેતાં જોખનાભાઈ ડાંગીના કુવામાં ગામમાં રહેતાં એક મહિલા કુવામાં પાણી ભરવા જતાં હતા. તે સમયે કુવામાં નજર નાંખતાં એક વન્યપ્રાણી હોવાનું તેઓને માલુમ પડતાં આ મામલે તેઓને સ્થાનીક ગ્રામજનોને બોલાવ્યાં હતાં અને ગ્રામજનો દ્વારા કુવામાં નજર નાંખી તપાસ કરતાં દિપડો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે દિપડો કંઈ હલન ચલન કરતો ન હોવાને કારણે ગ્રામજનોને શંકા ગઈ હતી અને જેને પગલે સ્થાનીક ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓને જાણ કરવામાં આવતાં સ્થાનીક વન વિભાગના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને જ્યાં કુવામાં તપાસ કરતાં મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. મૃત દિપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ, ગામના સરપંચ તેમજ ગ્રામજનોની હાજરીમાં દિપડાના નજીકના જંગલ વિસ્તાર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.