- સંજય રાઉત અને કૉન્ગ્રેસના નેતાઓ બાદ એનસીપીના ચીફ શરદ પવારે પહેલી વખત કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ સામે સવાલ કર્યો.
મુંબઈ,
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ વિધાનસભાના સ્પીકરપદેથી ગયા વર્ષે રાજીનામું આપ્યા બાદ મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કર્યો છે જેને કૉન્ગ્રેસના જ નેતાઓ વિજય વડેટ્ટીવાર અને યશોમતી ઠાકુરે સમર્થન પણ કર્યું છે. નાના પટોલે બીજેપી સાથે સાઠગાંઠ કરીને રાજકારણ કરી રહ્યા હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીને સાથે લાવીને મહાવિકાસ આઘાડી સરકારના જનક શરદ પવારે ગઈ કાલે મહત્ત્વનું સૂચન કર્યું હતું. એનસીપીના ચીફે કહ્યું હતું કે નાના પટોલેને જ્યારે સ્પીકરપદે બેસાડવામાં આવ્યા ત્યારે ત્રણેય પક્ષની સહમતી લેવામાં આવી હતી, પણ તેમણે અચાનક રાજીનામું આપ્યું ત્યારે કોઈને વિશ્ર્વાસમાં નહોતા લીધા એનું દુ:ખ છે. શરદ પવારે આમ કરીને આડક્તરી રીતે નાના પટોલે કોઈકના કહેવાથી મનમાની કરી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો.
એનસીપીના ચીફ અત્યારે નાશિકની મુલાકાતે છે. અહીં તેમણે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘નાના પટોલેએ રાજ્યની વિધાનસભાના સ્પીકરપદેથી રાજીનામું આપ્યું એને વર્ષ થઈ ગયું છે એટલે આમ જોવા જઈએ તો એ મુદ્દો જૂનો થઈ ગયો છે. તેમણે રાજીનામું આપ્યા બાદ અત્યારે વિધાનસભામાં નવા સ્પીકર નિયુક્ત થઈ ગયા છે. જોકે નાના પટોલે બધાના સમર્થનથી સ્પીકર નિયુક્ત થયા હતા. બાદમાં તેમણે પોતાની રીતે નિર્ણય લઈને રાજીનામું આપી દીધું હતું. તેમણે સમર્થન આપનારાઓને નિર્ણય લેતી વખતે વિશ્ર્વાસમાં લેવાની જરૂર હતી. તેમણે આવું ન કર્યું હોવાનું દુ:ખ છે.’
રાજ્યમાં ભવિષ્યમાં એનસીપીમાંથી અજિત પવારને જ મુખ્ય પ્રધાન બનાવવા બાબતે પક્ષના વિધાનસભ્ય નીલેશ લંકેએ કહ્યું છે એ વિશે શું કહેશો? એવા સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘અત્યારે પેટાચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે એટલે પક્ષ બાબતે બાદમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે એનસીપી પાસે મુખ્ય પ્રધાન બનાવવા માટે જરૂરી વિધાનસભ્યો નથી. મહાવિકાસ આઘાડીમાં અમારા સૌથી વધુ વિધાનસભ્યો હોવા છતાં સાથી પક્ષોને વિશ્ર્વાસમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આથી પક્ષમાંથી આગામી સમયમાં કોને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એની વાત કરવાનો અત્યારે કોઈ અર્થ નથી.’
રત્નાગિરિમાં પત્રકાર શશિકાંત વારિસેના મૃત્યુ મામલે વિરોધીઓ સરકાર પર દબાણ લાવી રહ્યા છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જાહેરાત કરી હતી કે પત્રકારના મૃત્યુના કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) કરશે. ૬ ફેબ્રુઆરીએ રત્નાગિરિમાં બાઇક પર જઈ રહેલા ૪૮ વર્ષના પત્રકાર શશિકાંત વારિસેને સ્થાનિક રહેવાસી પંઢરીનાથ આંબેરકરની એસયુવી કારે ટક્કર મારી હતી. ગંભીર રીતે જખમી થયેલા પત્રકારનું બાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. રત્નાગિરિમાં રિફાઇનરીના પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓને આરોપી પંઢરીનાથ આંબેકર ધમકાવતો હોવાનો આરોપ વિરોધ પક્ષો કરી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાનની ઑફિસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે પોલીસ વિભાગને આ મામલામાં એસઆઇટી ગઠિત કરીને તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યો છે. એસઆઇટીના હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારી હશે. પત્રકારની હત્યાના મામલામાં શુક્રવારે પત્રકારોએ મંત્રાલય પાસે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને આ મામલામાં એસઆઇટી દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.