મુંબઇ,
પૈસાના લીધે ઝઘડો થતા થાણેમાં ૪૨ વર્ષીય ગુજરાતી વેપારીની કાચથી ગળુ ચીરીને હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે વેપારીના મિત્રની ધરપકડ કરી છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફનચરનો વ્યવસાય કરતા બિપિન વિસારિયા (ઉં.વ.૪૨)ની લાશ ૮ ફેબુ્રઆરીના ઘરમાંથી મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. પોલીસે કેસ નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
રાબોડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે જણાવ્યું હતું કે પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડયું હતું કે પીડિતને છેલ્લે કાલ્હેરમાં રહેતા તેના મિત્ર રક્ષિત પાખરે સાથે જોવામાં આવ્યો હતો. બંને વચ્ચે પૈસાને લીધે વિવાદ થતા ઝઘડો થયો હતો. દરમિયાન કાચ તૂટી ગયો હતો પાખરેએ તૂટેલા કાચથી મિત્ર બિપિનનું ગળુ કાપી નાખ્યું હતું. પોલીસે પાખરેને પકડીને કોર્ટમાં હાજર કર્યો હતો.
મૃતક અને આરોપી વચ્ચે માત્ર ત્રણ હજાર રૂપિયાને લીધે વિવાદ થયો હોવાનું કહેવાય છે પરંતુ પોલીસે અન્ય શક્યતાને ધ્યાનમાં રાખીને પણ કેસની વધુ તપાસ આદરી છે, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં કહ્યું હતું.