ચંડીગઢ,
હરિયાણા સરકારે ડોક્ટરો માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. હવેથી ડોક્ટરો જીન્સ, ટીશર્ટ અને સ્કર્ટ નહીં પહેરી શકે. આ ઉપરાંત તેઓ ફંકી ગણાતી હેરસ્ટાઈલ અને લાંબા નખ પણ નહીં રાખી શકે.હરિયાણા સરકારનો નવો આદેશ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં લાગુ કરવામાં આવશે.
આ નવો ડ્રેસ કોડ સરકારી હોસ્પિટલોના ડોક્ટરો સહિત ટેકનિશિયન, સફાઈ કર્મચારી, માળી, ડ્રાઈવર, ફિલ્ડ વર્કર સહિતના સ્ટાફ પર લાગુ કરવામાં આવશે. નવા નિયમ મુજબ, હોસ્પિટલનો ડોક્ટર સિવાયનો સ્ટાફ પણ જીન્સ અને ટીશર્ટ પહેરી નહી શકે. આ ઉપરાંત દરેક સ્ટાફ મેમ્બરે નેમ પ્લેટ પહેરવી ફરજીયાત કરવામાં આવશે.
હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ ડ્રેસ કોડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ડ્રેસ કોડને રજાના દિવસોમાં પણ લાગુ કરવામાં આવશે. હોસ્પિટલને પ્રોફેશનલ લુક આપવા માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ રંગના જીન્સ અને ટીશર્ટને પ્રોફેશનલ ડ્રેસ ગણી શકાય નહીં, તેવું મંત્રીએ જણાવ્યું હતું.
હરિયાણાના નર્સિંગ વેલફેર સંગઠનના પ્રમુખના જણાવ્યા અનુસાર, સરકારે નવા નિયમો બનાવતા પહેલા તેમની સલાહ લેવી જોઈતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આવો ડ્રેસ કોડ વહીવટી અધિકારીઓ પર પણ લાગુ કરવો જોઈએ. બીજી તરફ, સોશિયલ મીડિયામાં અનેક ડોક્ટરોએ નવા નિયમોનો વિરોધ કર્યો હતો.