નાગપુર,
નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર ૧૭૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારત તરફથી આર અશ્ર્વિને એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. અશ્ર્વિને આ મેચમાં એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હકીક્તમાં અશ્ર્વિને કોઈ અન્ય ભારતીય ખેલાડીની તુલનામાં સૌથી ઝડપી ૪૫૦ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કેરીને આઉટ કરીને અશ્ર્વિને આ કીતમાન સ્થાપિત કર્યો છે. ભારતના સ્પિનર આર અશ્ર્વિને નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે પોતાના ટેસ્ટ કરિયરની ૪૫૦મી વિકેટ પૂરી કરી હતી. અશ્ર્વિને પોતાની ૮૯મી ટેસ્ટ મેચમાં ૪૫૦ વિકેટ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલામાં અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે.
ભારતીય ઓફ સ્પિનર હવે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ ૪૫૦મી ટેસ્ટ વિકેટ સુધી પહોંચનાર દુનિયાનો બીજો સૌથી ઝડપી બોલર છે, જેણે પોતાની ૮૦મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર એલેક્સ કેરીને અશ્ર્વિને બોલ્ડ કર્યો હતો. કેરીને ૩૬ રને પેવેલિયન મોકલી અશ્ર્વિને પોતાની ૪૫૦મી વિકેટ પૂરી કરી હતી.
નાગપુરમાં પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર ૧૭૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ૪૭ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્ર્વિનને ત્રણ સફળતા મળી હતી. ફાસ્ટ બોલર શમી અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી.