૨૧ વર્ષની દીકરી પાસેથી પ્રેગનેન્સી કીટ મળતા માતા-પિતાએ કરી હત્યા, ઓળખ છુપાવવા બોડી પર નાખી દીધુ એસિડ

કૌશાંબી,

યુપીના કૌશાંબીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક માતા-પિતાએ પોતાની દીકરીની હત્યા માત્ર એટલા માટે કરી નાખી કે, તેની પાસેથી પ્રેગનેન્સી કીટ મળી હતી. તેમને શંકા હતી કે, તેમની દીકરીના કોઈક છોકરા સાથે સબંધ છે. માતા-પિતાએ દીકરીની હત્યા બાદ તેના મૃતદેહને એસિડ નાખીને નષ્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસે બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ માતા-પિતાએ પોતાની દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી છે.

દીકરીની હત્યા બાદ તેના માતા-પિતાએ પોતાના ૨ સંબધીઓની મદદથી તેની બોડી પર એસિડ નાખી દીધુ હતું જેનાથી તેની ઓળખ ન થઈ શકે. ત્યારબાદ દીકરીના મૃતદેહને ફેંકી દીધો. પોલીસે આ મામલે ૪ લોકોની ધરપકડ કરી છે.

આ કેસ ટેન શાહ અલમાબાદ ગામનો છે, જ્યાં ગામના રહેવાસી નરેશે ૩ ફેબ્રુઆરીએ તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે ગામની બહાર એક કેનાલમાંથી તેનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અધિક્ષક બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે બુધવારે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નરેશ અને તેની પત્ની શોભા દેવીએ ૩ ફેબ્રુઆરીએ તેમના ઘરે તેમની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઓળખ છૂપાવવા માટે તેણે બોડી પર બેટરી એસિડ ફેંક્યુ હતુ.

નરેશના બે ભાઈઓ ગુલાબ અને રમેશે તેને લાશનો નિકાલ કરવામાં મદદ કરી હતી. નરેશે પોલીસને જણાવ્યું કે, તેની દીકરી મોબાઈલ પર ઘણા છોકરાઓ સાથે વાત કરતી હતી. એસપીએ કહ્યું કે, તેની પાસેથી કેટલીક પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ્સ પણ મળી આવી હતી જેના કારણે નરેશને શંકા હતી કે તેની દીકરીના કોઈ છોકરા સાથે સંબંધ છે અને તે આ વાતથી ગુસ્સે હતા.