આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના: ઓઈલ ટેંકરમાં સફાઈ કરવા ઉતરેલા ૭ મજૂરોના મોત

કાકીનાડા,

આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. ઓઈલ ફેક્ટ્રીના ટેંકરોની સફાઈ દરમિયાન ૭ મજૂરોના મોત થઈ ગયા છે. દમ ઘૂંટવાના કારણે મજૂરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. દુર્ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસે જણાવ્યું કે, રાગમપેટ ગામ નજીક ખાદ્ય તેલની ફેક્ટ્રી છે. આ દુર્ઘટના આજે સવારે લગભગ ૭:૦૦ વાગ્યે બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળઅયું છે કે, મૃતકો પેડ્ડાપુરમ મંડળના પડેરુ અને પુલીમેરુના રહેવાસી હતા.

એક પ્રત્યક્ષદર્શીએ દુર્ઘટના વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, પહેલા એક મજૂર ટાંકીમાં ઘૂસ્યો અને જ્યારે તે બહાર ન આવ્યો ત્યારે બાકીના મજૂરો પણ તેની પાછળ ટેન્કરમાં ઘૂસ્યા હતા.

મજૂરોના મોત બાદ તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનોએ ફેક્ટરી મેનેજમેન્ટ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, ફેક્ટરી દ્વારા કર્મચારીઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ પોલીસ આ કેસની તપાસ હાથ ધરી છે.