આંગણવાડીમાં જ સંચાલિકા પર પૂર્વ સરપંચે દુષ્કર્મ આચરી ધમકી આપતાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી

પાલનપુર,

વાવથી નવ કિલોમીટર દૂર ભાખરી ગામમાં પૂર્વ સરપંચ પીરા ભીખાભાઈ સેંગલે આંગણવાડી સંચાલિકા પર આંગણવાડીમાં જ દુષ્કર્મ આચરી તેને તાબે થવાની કોશિશ કરી હતી પરંતુ ૨ બાળકોની માતા આંગણવાડી સંચાલિકાએ પૂર્વ સરપંચથી વ્યથીત થઈ ઘરમાં જ પરિવારજનો જ્યારે બહાર ગયા ત્યારે ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. નાનકડા ગામમાં જ આ ઘટના બનતા સરપંચ તરીકે જવાબદાર રહી ચૂકેલા પૂર્વ સરપંચ વિરુદ્ધ ફિટકાર વ્યાપી ગયો હતો. વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાવ તાલુકાના ભાખરી ગામમાં એક મહિના અગાઉ આંગણવાડી સંચાલિકા પોતાની આંગણવાડીમાં હતી ત્યારે ગામના પૂર્વ સરપંચ પીરાભાઈ ભીખાભાઈ સેંગલ આંગણવાડીમાં આવીને સંચાલિકાને એકલી જોઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. એ વખતે સંચાલિકાએ બૂમાબૂમ કરતા પીરાભાઈ જતા જતા આ ઘટનાની કોઈને પણ જાણ કરીશ તો મારી નાખીશ અને તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. જો કે પરણીતાએ ઘરે આવીને વાત કરી હતી પરંતુ બદનામીના બીકે પરિવારના સભ્યોએ પીરાભાઈના પિતાને અને કુટુંબીજનોને ઘરમાં બોલાવી પીરો ઘરની આબરૂ ઉપર હાથ નાખે છે.

અને તેને આવું ન કરવા સમજાવ્યું હતું. જોકે આ ઘટના બાદ પીરો ફરી પરણિતાને ગામની શેરીમાં મળતા ’તું મારી જ થવાની. હું ગમે તેમ કરીને તારી સાથે લગ્ન કરીશ. હું ગામનો સરપંચ રહી ચૂક્યો છું. હું ગમે તેમ કરીને તને વસમાં કરીને જ રહીશ. તેમ કહી માનસિક રીતે હેરાન કરી હતી જેથી પરણીતાએ પરિવારમાં કહ્યું હતું કે હવે મારે જીવવું નથી. પીરો મને જીવવા નહીં દે. પરંતુ ઘરનાઓએ હૈયાધારણ આપી હતી. તેવામાં મંગળવારે મૃતકના સસરા થરાદ દીકરાને મળવા ગયા હતા અને પતિ વાવ જતા ઘરમાં એકલી પરણિતાએ પંખી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ પરિવારજનોને ખબર પડતાં લાશ વાવ રેફરલમાં ખસેડી પીએમ કરાવ્યું હતું. અને આરોપી પીરાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આમ બે સંતાનોની માતા એ છત્રછાયા ગુમાવી દેતા પરિવાર સહિત ગામમાં શોક વ્યાપી ગયો હતો.