ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી ૨૩ તારીખથી શરૂ થશે. આ સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ધારાસભ્યોને સંસદિય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્ર્નો અંગે તાલીમ અપાશે. આ માટે વિધાનસભામાં આગામી ૧૫થી ૧૬ ફેબ્રુઆરી ૨ દિવસીય તાલીમ શિબિર યોજાશે. જેમાં વિવિધ વિષયના નિષ્ણાંતો ધારાસભ્યોને તાલીમ આપશે. લોક્સભાના સ્પીકર ઓમ બિરલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ ઉપરાંત તાલીમ શિબિરમાં ગુજરાતના લોક્સભા અને રાજ્યસભાના તમામ સાંસદો, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ,વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજકીય પક્ષોના આગેવાનોને પણ આમંત્રણ અપાયું છે.
કેન્દ્રીય બજેટ બાદ હવે ગુજરાતનું બજેટ આગામી ૨૩ ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ ૨૪ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર ૧૬ બેઠકમાં ચર્ચા થશે.વિધાનસભા સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્ર્નોની ચર્ચા થશે.
સચિવાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી હસ્તકના શહેરી વિકાસ વિભાગ, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રશ્ર્નોના જવાબો વિધાનસભા ગૃહમાં કેબિનેટ મંત્રી ૠષિકેશ પટેલ આપશે. મહેસુલ વિભાગના પ્રશ્ર્નોના જવાબ કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આપશે. જ્યારે માર્ગ અને મકાન વિભાગના પ્રશ્ર્નોના જવાબ મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા આપશે.