દિવાળી પર હવે અમેરિકામાં ફૂટશે ફટાકડા, સાંસદોએ પાસ કર્યું બિલ

વોશિગ્ટન,

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં વર્ષ ૨૦૦૨માં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. હવે અમેરિકામાં યૂટા સેનેટના સાંસદોએ દિવાળી પર ફટાકડા ફોડવાની મંજૂરી આપવાનું બિલ સર્વસંમતિથી પસાર કર્યું છે. આ બિલ દક્ષિણ જોર્ડનના સેનેટર લિંકન ફિલમોરે રજૂ કર્યું હતું. ABC  ૪એ આ માહિતી આપી હતી. આ બિલ દિવાળી દરમિયાન પાંચ દિવસ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

ફિલમોરે કહ્યું કે, હેરિમનમાં તેમના એક મતદારે તેમનો સંપર્ક કર્યો અને તેમને બિલ અંગેનો તેમનો વિચાર આપ્યો, જેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જતા પહેલા માત્ર એક વધુ મતની જરૂર છે.

સેનેટર ફિલમોરે કહ્યું, હું યૂટાના ભારતીય સમુદાયની પ્રશંસા કરું છું. પડોશી સમુદાયોને જોડવા માટે કાર્યક્રમોનું આયોજન કરવાના તેમના સહયોગી પ્રયાસો તેમજ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ વિશે શિક્ષણ વધારવાના તેમના પ્રયાસોએ આપણા રાજ્યમાં વધુ સારી સમજણ ઊભી કરવામાં મદદ કરી છે.

દિવાળી પ્રથમ વખત ૨૦૦૨માં વ્હાઇટ હાઉસમાં ઉજવવામાં આવી હતી અને ૨૦૦૭માં યુએસ સરકારે આ તહેવારને સત્તાવાર માન્યતા આપી હતી. ૨૦૨૧માં તહેવારને ફેડરલ રજા તરીકે જાહેર કરવા માટે યુ.એસ.માં દિવાળી ડે એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

ભારત સહિત અનેક દેશોમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. પાકિસ્તાન, શ્રીલંકા, યુનાઈટેડ આરબ અમીરાત, અમેરિકા અને કેનેડા સહિત, વિશ્ર્વના અનેક દેશો દિવાળીની ઉજવણીમાં તરબોળ જોવા મળ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડન, ફર્સ્ટ લેડી જીલ બાઈડન અને USA  વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી.

વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવવાના આ તહેવાર પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા અમેરિકન દિગ્ગજો અને ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. વ્હાઇટ હાઉસમાં બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડન દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.