જંત્રીમાં સરકારની રાહત નહીં?ગુજરાતમાં ૪ ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયું હશે તો નવા દર લાગુ થશે

  • પેપર લીક કરનારને ૭ વર્ષની સજાનું વિધેયક લાવશે.

ગાંધીનગર,

ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, ૪ ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે. જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે.

જંત્રી વધારવાની જરૂર છે અને વધવી જ જોઈએ પરંતુ તેમાં સમય આપવો જોઈએ અને ૧ મે ૨૦૨૩થી નવા દરો અમલી બનાવવા જોઈએ. જમીન અને બાંધકામમાં જંત્રીમાં વધારો અલગ અલગ હોવો જોઈએ, તે પ્રકારની માંગ અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

ક્રેડાઈ અમદાવાદ ગાહેડ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ ગત રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને નવા જંત્રી દરના અમલીકરણમાં સમય મર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત બે દિવસ સુધી બિલ્ડર એસોસિએશન બેઠકનો દોર ચલાવી રહ્યું છે, ત્યારે તમામ બેઠકો વખતે મુખ્યમંત્રી સાથે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. જો કે બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ બિલ્ડર્સને તેમની રજૂઆત પર વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલીગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. ૪ તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. ૪ તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ૠષિકેષ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે.

ગુજરાતમાં બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન રેરાની હસ્તગત કરવાનું હોય છે અને આ રેરામાં કરાવેલું રજીસ્ટ્રેશનમાં યુનિટની કિંમત પણ દર્શાવવામાં આવી હોય છે. બિલ્ડર દ્વારા રેરામાં એક ચોક્કસ રકમ લખીને મકાનના ભાવની કિંમત નક્કી કરી હોય છે અને તેનું રેરામાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હોય છે ત્યારે એકાએક ભાવ વધારો થવાના કારણે રેરામાં કોમ્પ્લાઈન કરવામાં અડચણ આવી શકે છે. ગુજરાતના તમામ મહાનગરપાલિકાના કુલ ૫૦,૦૦૦ હજારથી વધુ પ્રોજેક્ટ છે, ત્યારે આ તમામ પ્રોજેક્ટ રેરામાં ભાવ સાથે સબમિટ થઈ ગયા હોવાથી આ તમામ પ્રોજેક્ટને અસર પહોંચવાની સંભાવના બિલ્ડર એસોસિએશન વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજની લોન ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતો લોન લે છે એટલે એનો અર્થ એ નથી કે તે દેવાદાર છે. ૬ હજાર રૂપિયા તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આપે છે. આ સહાય ખેડ, ખાતર અને બિયારણ માટે પર્યાપ્ત થાય તે પ્રકારની યોજના છે. તો પેપરલીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું કહીને ક્સૂરવાર સામે ૩થી ૭ વર્ષની સજાની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભા સત્રમાં લવાશે તેવી માહિતી આપી હતી.