ન્યુયોર્ક ટાવર પાસેના ડોન કા અડ્ડા કાફે પર સાળીએ બનેવી પર ચાકૂથી હુમલો કર્યો

અમદાવાદ,

એસજી હાઈવે પર થલતેજ વિસ્તારમાં ન્યુયોર્ક ટાવર સામે આવેલા ડોન કા અડ્ડા કેફે પર શનિવારે રાત્રે સાળાએ ભાણીયા અને મિત્ર સાથે મળીને બનેવીને ચાકૂના ઘા માર્યા હતા. બહેન સાથે મેરેજ કરી થોડો સમય જોડે રહ્યા બાદ દંપતી વચ્ચે વિવાદ થતા બંને અલગ રહેવા લાગ્યા હતા. આ અદાવતને પગલે સાળાએ ડોન કા અડ્ડા કેફે પર બેઠેલા બનેવીને જોઈને અપશબ્દો બોલી ચાકૂથી હુમલો કર્યો હતો.

સેટેલાઈટમાં શુભદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં જીગ્નેશભાઈ મંગળભાઈ પટેલ (ઉં,૪૦)એ વાપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે સાંજે પોતાના સાળા અજયસિંહ બહાદુરસિંહ જાડેજા, સાળીના પુત્ર ઉર્વીશ હરદેવસિંહ ઝાલા અને હર્ષીત સ્વામી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી જીગ્નેશભાઈ પટેલ ગત શનિવારે રાત્રે ડોન કા અડ્ડા પર બેઠા હતો. તે સમયે બ્લેક કલરની કારમાં અજયસિંહ, તેનો ભાણીયો ઉર્વીશ અને મિત્ર હર્ષીત સ્વામી ત્યાં આવ્યા હતા. ફરિયાદીને જોતા જ ત્રણે જણા અપશબ્દો બોલતા કારમાંથી ઉતર્યા હતા.

ફરિયાદી નજીકમાં આવેલા જય હિન્દ શફલ પરીસરના ગેટ પાસે આવેલી સિક્યુરીટી કેબીન તરફ ગયા હતા. તે સમયે ત્રણે જણાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમજ અજયસિંહ અને ઉવશે ફરિયાદીને ચાકૂના ઘા માર્યા હતા. ફરિયાદીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવતા ત્રણે જણા જાનથી મારવાની ધમકી આપી કારમાં બેસી નીકળી ગયા હતા. ફરિયાદીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે વાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.