સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો ગુજરાતના સૌથી શ્રેષ્ઠ વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કટિંગનો પર્દાફાશ:બુટલેગરો ફરાર, ૪ વાહનો જપ્ત

વડોદરા,

ગુજરાતના નંબર-૧ અને દેશમાં સાતમા ક્રમના શ્રેષ્ઠ વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના કટિંગ સમયે જ દરોડો પાડી બે કાર, બે ટુ વ્હીલર અને ૩૭૨ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આમ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સમગ્ર વિસ્તારમાં ચાલતી પોલમપોલનો ભેદ ખોલી નાખ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના એએસઆઇ ધર્મરાજસિંહ પરાક્રમસિંહ ભાટીને બાતમી મળી હતી કે વારસીયા ધોબી તળાવ પાસે હરિકૃપા લેટની સામે ખુલ્લી જગ્યામાં અજય આહુજા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા ત્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને કાર અને બાઇક પર સવાર શખ્સોમાં નાસભાગ મચી હતી. આરોપીઓ વાહન છોડીને ભાગી હતા. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર અને બાઇકમાંથી ૧ લાખ ૭૮ હજારની કિંમતની ૩૭૨ નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. સાથે જ ૩ લાખ ૮૫ હજારની કિંમતના વાહન જપ્ત કર્યા છે.ફોર્ડ ફિગો કાર, ટાટા નેનો કાર બાઇક સ્પ્લેન્ડર બાઇકનો સમાવેશ થાય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવેલ ફોર્ડ ફિગો કાર પર વાલની વૃંદાવન વાટિકા-૨ નો લોગો લગાવેલો છે. સામાન્ય રીતે સોસાયટીમાં રહેતા રહીશો પોતાના વાહન પર પોતાની સોસાયટીના નામનો લોગો લગાવતા હોય છે. જેથી બહારના વાહન અંદર આવે તો સિક્યોરિટી ગાર્ડ તેને ઓળખી શકે.સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન મુખ્ય આરોપી અજય અહુજા તેમજ અન્ય વાહનોમાં દારૂ લેવા આવેલ શખ્સો ફરાર થઇ ગયા હતા. જેથી તેમની સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી મહિનામાં જ વારસિયા પોલીસ સ્ટેશનને ગુનાના ડિટેક્શનની કામગીરી, ગુના પ્રિવેન્શનની કામગીરી, સ્વચ્છતા, વર્તણુક અને રેકોર્ડની જાળવણી માટે દેશના સાતમું અને ગુજરાતનું નંબર વન પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું.વડોદરના વારસિયા વિસ્તારમાં ગુજરાતમાં મોટાપાયે દારૂ સપ્લાય કરતા બુટલેગરો પણ રહે છે. એટલું જ નહીં ફરાર ગેંગસ્ટર એન્થોની પણ આ જ વિસ્તારમાં રહેવાસી છે. ભૂતકાળમાં મધ્ય ગુજરાતનો સૌથી મોટો બુટલેગર મુકેશ હરજાણી પણ અહીં રહેતો અને દારૂના ધંધાની અદાવતમાં જ તેની હત્યા કરવામાં આવી હતી. મહિલા જુગારીઓ માટે પણ આ વિસ્તાર કુખ્યાત છે.