કબડ્ડી ખેલાડી પર કોચનું દુષ્કર્મ: બ્લેકમેઈલ કરી ૪૩ લાખ પડાવ્યા

નવીદિલ્હી,

આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ૨૭ વર્ષીય એક કબડ્ડી ખેલાડીએ પોતાના કોચ ઉપર દુષ્કર્મ કરવા તેમજ અશ્ર્લીલ ફોટોને સોશ્યલ મીડિયા પર લીક કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કર્યાના આક્ષેપો લગાવતાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસે મહિલા ખેલાડીના આક્ષેપોના આધારે દ્વારકાના બાબા હરિદાસનગર પોલીસ મથકમાં કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

પોલીસે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે મહિલા ખેલાડીએ પાછલા સપ્તાહે આ અંગે ફરિયાદ નોંધાવી છે અને ગઈકાલથી તપાસમાં સામેલ થઈ છે. ખેલાડીનું સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું છે. આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા ખેલાડીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વર્ષ-૨૦૧૨માં તે દિલ્હીના મુંડકા નજીક હિરણકૂદનામાં કબડ્ડીની તૈયારી કરી રહી હતી. વર્ષ ૨૦૧૫માં તેના કોચે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ-૨૦૧૮માં આરોપીએ ઈનામની રકમમાંથી ખેલાડી પાસે ભાગ માંગ્યો હતો અને ત્યારપછી તેણે કોચના બેક્ધ ખાતામાં ૪૩.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

કોચની ઓળખ જોગીંદરના રૂપમાં થઈ છે. વર્ષ ૨૦૨૧માં ફરિયાદીના લગ્ન થઈ ગયા હતા જે પછી આરોપીએ તેને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું અને તસવીરોને વાયરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. ડીસીપી (દ્વારકા) એમ.હર્ષવર્ધને જણાવ્યું કે પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને ફરાર થઈ ગયેલા કોચને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.