
નવીદિલ્હી,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટએ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાસિક વિધાન પરિષદની ચૂંટણી બાદ બાળાસાહેબ થોરાટ અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વચ્ચે રસાક્સી થઈ હતી. ગઈકાલે બાળાસાહેબ થોરાટે પણ નાના પટોલેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ થોરાટે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બાળાસાહેબ થોરાટે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ નાના પટોલે સાથે કામ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે, તેઓ તાજેતરમાં યોજાયેલી નાસિક વિધાન પરિષદની ચૂંટણીના સંદર્ભમાં પક્ષની અંદરના રાજકારણથી પરેશાન છે. જણાવી દઈએ કે, સત્યજીત તાંબેએ નાશિક વિધાન પરિષદની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને ચૂંટણી જીતી હતી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ પર તેમના પરિવાર અને થોરાટને બદનામ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
કડક શબ્દોમાં લખેલા પત્રમાં થોરાટે જણાવ્યું હતું કે, ‘નાના પટોલે મારાથી નારાજ છે, આવા સંજોગોમાં તેમની સાથે કામ કરવું શક્ય નથી. નાસિકમાં નિર્ણાયક ચૂંટણી દરમિયાન થયેલી ગૂંચવણ અને ગેરસમજ માટે એકલા પટોલે જ જવાબદાર છે.’ અહીં નવાઈની વાત એ છે કે નાના પટોલેએ થોરાટના પત્રનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
થોરાટના રાજીનામા પર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે, તેમની પાસે રાજીનામા અંગે કોઈ માહિતી નથી અને હજુ સુધી કોઈ પત્ર તેમની પાસે પહોંચ્યો નથી.
નાના પટોલેએ કહ્યું કે, ‘મને આ પત્રની જાણ નથી. મને નથી લાગતું કે થોરાટ પાર્ટીના નેતૃત્વને આવો પત્ર લખશે. તેઓ અમારા નેતા છે, તેઓ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે.’
બીજી તરફ થોરાટે પત્રમાં જે પણ લખ્યું છેતે નાથી કોંગ્રેસની મુશ્કેલીઓ ચોક્કસ વધવાની છે. તેમણે લખ્યું છે કે, ‘હું આનાથી દુ:ખી અને પરેશાન છું. મારા પરિવારના સભ્યોની આકરી ટીકા થઈ, જેની ક્યારેય અપેક્ષા નહોતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મારા વિશે ભ્રમ અને ગેરસમજ ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. હું જન્મજાત કોંગ્રેસમેન છું અને જીવનભર કોંગ્રેસી રહીશ.’