જીવતા માણસને મૃત ઘોષિત કરીને તેના હમશકલને કરવામાં દફન આવ્યો

  • મૃત્યુ પામેલો માણસ તેનો ૬૦ વર્ષનો રિક્ષા ચલાવતો ભાઈ રફીક શેખ છે, જે બે મહિનાથી ગાયબ હતો.

પાલઘર,

પાલઘરમાં થયેલી આ ભૂલ બાદ હમશકલ વ્યક્તિ કોણ છે એની પોલીસે શરૂ કરી તપાસ. રફીક શેખ બે મહિનાથી ગુમ હોવાથી તેના જેવી જ દેખાતી એક વ્યક્તિના મૃતદેહને રફીકનો મૃતદેહ સમજીને પરિવારે જ દફનાવી દીધો હતોએમ કહેવાય છે કે દુનિયામાં એક્સરખાં કદ, કાઠી અને શકલ ધરાવતી સાત વ્યક્તિઓ હોય છે. આવી બે વ્યક્તિઓ એક્સાથે આવી જાય તો તેમને નજીકના સંબંધીઓ પણ ઓળખી નથી શક્તા. આવી એક્સરખા દેખાતા બે મણસોનો મામલો પાલઘર રેલવે પોલીસમાં નોંધાયો છે, જેમાં રેલવે-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા માણસની ઓળખ તેની પત્ની અને સંબંધીઓએ કર્યા બાદ અંતિમ વિધિ કરી નાખી હતી. જોકે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે તે તો સફાલાના એક આશ્રમમાં જીવંત છે. આ ઘટનાથી પાલઘર પોલીસની ચિંતામાં વધારો થયો છે, કારણ કે તેણે હવે રેલવે-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનારી અજાણી વ્યક્તિ કોણ છે એની તપાસ કરવી પડશે.

પાલઘર રેલવે પોલીસના જણાવ્યા મુજબ ૨૯ જાન્યુઆરીએ બોઇસર અને પાલઘર રેલવે-સ્ટેશનની વચ્ચેના ભાગમાં ઇન્ટરસિટી ટ્રેનની નીચે આવી જતાં એક અજાણી વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મરનારની ઓળખ કરવા માટે પાલઘર પોલીસે તેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. આ ફોટો જોયા બાદ પાલઘરમાં રહેતા એક જણે પાલઘર રેલવે પોલીસ-સ્ટેશનમાં આવીને કહ્યું હતું કે મૃત્યુ પામેલો માણસ તેનો ૬૦ વર્ષનો રિક્ષા ચલાવતો ભાઈ રફીક શેખ છે, જે બે મહિનાથી ગાયબ હતો. રફીક શેખની પત્ની કેરાલામાં હતી એટલે પોલીસે તેને પણ પાલઘર બોલાવી હતી. તેણે પણ મૃતદેહ તેના પતિ રફીક શેખનો હોવાનું કહ્યું હતું. આથી પોલીસે તમામનાં નિવેદન નોંધીને રફીક શેખના મૃતદેહનો તાબો તેના પરિવારજનોને સોંપ્યો હતો. પરિવારજનોએ બાદમાં રફીક શેખની દફનવિધિ કરી હતી.

રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ થયા બાદ તેના પરિવારજનોએ તેની અંતિમક્રિયા પણ કરી નાખી હોવાથી પાલઘર રેલવે પોલીસે એક કેસ પૂરો થયો હોવાની રાહત અનુભવી હતી. જોકે પોલીસને ક્યાં ખબર હતી કે આ મામલો તેનો પીછો નહીં છોડે. રવિવારે એક મિત્રે રફીક શેખના મોબાઇલ-નંબર પર કૉલ કર્યો હતો ત્યારે તેણે એ રિસીવ કર્યો હતો. આ સાંભળીને તેનો મિત્ર ચોંકી ગયો હતો. ત્રણેક દિવસ પહેલાં જેની અંતિમક્રિયા કરી હતી એ જીવતો હોવાનું જાણીને રફીકના મિત્રને વિશ્ર્વાસ ન બેસતાં તેણે વિડિયો કૉલ કર્યો હતો. રફીકે વિડિયો કૉલ રિસીવ કર્યા બાદ તેને જીવતો જોઈને તેના મિત્રને ખ્યાલ આવી ગયો હતો કે ક્યાંક કાચું કપાયું છે. આથી તેણે પાલઘર રેલવે પોલીસ-સ્ટેશન પહોંચીને કહ્યું હતું કે રેલવે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું સમજીને જેની દફનવિધિ કરાઈ હતી એ તો સફાળેના આશ્રમમાં જીવતો છે. આ સાંભળીને પોલીસ ઊછળી પડી હતી. આવું કેવી રીતે બને?

રફીક શેખના પરિવારજનો અને મિત્રે પોલીસને કહ્યું હતું કે રફીક અહીં જ રહીને રિક્ષા ચલાવતો હતો. તે બે મહિના પહેલાં ઘર છોડીને જતો રહ્યો હતો અને સફાળેમાં આવેલા તેના જૂના ત્યજી દેવાયેલા ઘરે પહોંચ્યો હતો. જોકે પરિવારજનોએ અહીં તપાસ કરી તો એ ત્યાં થોડો સમય રહ્યા બાદ ક્યાંક જતો રહ્યો હોવાનું જણાતાં પરિવારજનોએ તે મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પાલઘર રેલવે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નરેશ રણધીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ જાન્યુઆરીએ રેલવે-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલી વ્યક્તિના ફોટો અમે બધે શૅર કર્યા બાદ અહીં જ રહેતા એક જણે મરનાર તેનો ભાઈ રફીક શેખ હોવાનું તેમ જ રફીક શેખની પત્નીએ પણ તેનો પતિ હોવાનું કહ્યું હતું. આથી અમે તેમને મૃતદેહનો તાબો આપી દીધો હતો. બાદમાં ખ્યાલ આવ્યો હતો કે રફીક શેખ તો જીવતો છે, પણ તેના જેવી જ દેખાતી એક અજાણી વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામી છે. મરનાર અને રફીક શેખના શરીર, ઉંમર અને ચહેરા એટલાબધા મળતા આવે છે કે તેમના પરિવારજનો પણ મરનાર રફીક શેખ જ હોવાનું સમજી બેઠા. હમશકલના એ બનાવથી અમે જે કેસ ઉકેલાઈ ગયો હોવાનું માનતા હતા એમાં ફરીથી તપાસ શરૂ કરી છે અને અકસ્માતમાં મૃત્યુ પામેલા માણસના ફોટો ફરી સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે અને તેના પરિવારજનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’