સરકારી આશ્રમશાળાઓમાં ૫ વર્ષમાં ૨૮૨ આદિવાસી વિદ્યાર્થીઓનાં બીમારીથી મોત

  • ૧૫૦ છોકરીઓ-૧૩૨ છોકરાઓનો સમાવેશ.

મુંબઈ,

રાજ્યના આદિવાસી આયુક્ત કાર્યાલય અંતર્ગત આવતી સરકારી આશ્રમશાળાઓમાં ફેબ્રુઆરી ૨૦૧૭થી જૂન ૨૦૨૨ના પાંચ વર્ષના સમયગાળામાં વિવિધ રોગને લીધે ૨૮૨ (૪૧.૫૩ ટકા) વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાની નોંધ છે. તેમાંથી ૧૫૦ છોકરીઓ તો ૧૩૨ છોકરાઓનો સમાવેશ છે. આ માહિતી રાજ્ય સરકારના નાસિક સ્થિત આદિવાસી વિકાસ આયુક્તાલય પાસેથી મળી છે.આંતરડાની બિમારી, કેન્સર, લિવર ફેલ થવું, શ્ર્વાસની બિમારી, જુલાબ, ફિટ આવવી, ક્ષયરોગ, એનેમિયા, સિકલસેલ, મોટા આંતરડાની બિમારી વગેરે અનેક રોગનો તેમાં સમાવેશ છે.

આ સંદર્ભે મુંબઈની સ્વયંસેવી સંસ્થાના વરિષ્ઠ સામાજિક કાર્યર્ક્તાએ એક વૃત્તસંસ્થાને આપેલી માહિતીનુસાર, ઉક્ત સમયગાળામાં ૯૯ વિદ્યાર્થીઓનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેમાં ૫૨ છોકરા અને ૪૭ છોકરીઓનો સમાવેશ છે. કુલ મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓની તુલનાએ આકસ્મિક મૃત્યુ પામેલાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૫૮ ટકા જેટલું છે. અકસ્માતને લીધે ૫૭ વિદ્યાર્થીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમાં ૪૫ છોકરા અને ૧૨ છોકરીઓ છે. કુલ મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની તુલનાએ આ પ્રમાણ ૮.૩૯ ટકા જેટલું છે.

ગળે ફાંસો ખાઈ જીવ ગુમાવેલાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૬ છે. જે કુલ મૃત્યુઆંકના ૬.૭૭ ટકા જેટલી છે. સર્પદંશને લીધે ૨૩ છોકરા અને ૨૨ છોકરીઓ મળી કુલ ૪૫ વિદ્યાર્થીઓના મોત થયાં છે. જ્યારે નદી, તળાવ, કૂવામાં ડૂબતાં ૨૩ છોકરા અને ૧૬ છોકરીઓ મળી કુલ ૩૯ વિદ્યાર્થીઓ મૃત્યુ પામતાં કુલ મૃત્યુઆંકની સરખામણીએ ૫.૭૪ ટકા જેટલું આ કારણસર મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ છે. જે દર્શાવે છે કે રાજ્યની આશ્રમશાળામાં ભણતાં બાળકોના સ્વાસ્થ્ય તરફ બાળકો તેમજ અન્ય સંબંધિતો દ્વારા દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. જેથી ગંભીર બિમાર થવાને કારણે બાળકો મૃત્યુના મુખ સુધી પહોંચી જાય છે.