વડોદરામાં બાઇકમાં પેટ્રોલ પુરાવી દંપતી નિકળ્યું ને ૨૦મી સેકન્ડે કારના ચાલકે ઉડાવી દીધું, માસૂમ બાળકોએ માતા ગુમાવી

વડોદરા,

શહેરના અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત મ્સ્ઉ કારના ચાલકે પેટ્રોલ પુરાવીને રોડ ક્રોસ કરી રહેલા બાઇક્સવાર દંપતીને ટક્કર માર્યાની ઘટના CCTV માં કેદ થઇ છે. બનાવમાં ઇજાગ્રસ્ત પતિ-પત્નીમાંથી પત્નીનું મોત થતાં બે માસૂમ બાળકોએ માતાનો સહારો ગુમાવી દીધો છે. પોલીસે કારચાલક સહિત કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન રવિવારની રાત્રે તેમના સાઢુભાઇને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે નવ વાગ્યા આસપાસ રસ્તામાં આર.સી.એસ્ટેટ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી મુજમહુડા અકોટા રોડ પર જવા રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મુજમહુડા તરફથી પૂરપાટ આવતી મ્સ્ઉ કારે બાઇક્સવાર દંપતીને ટક્કર મારી હતી. જેથી દંપતી કારના આગળના કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું હતું.

અકસ્માતને પગલે અયાજ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઇ હતી તથા મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જ્યારે તેમની પત્ની શાહીનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવને પગેલ ત્યાંથી પસાર થતાં લોકો એકત્ર થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરતા દંપતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં શાહીન શેખનું આઇસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અયાજ શેખની સ્થિતિ સારી છે.

પોલીસે આ મામલે મ્સ્ઉના કારચાલક સ્નેહલ જિગ્નેશભાઇ પટેલ (રહે. અંબિકા નિકેતન સોસાયટી, મકરપુરા, વડોદરા)ની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ છાણી વિસ્તારમાં આવેલ કારના શો રૂમમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કાર સ્નેહલના મિત્રની હતી અને સ્નેહલ કાર લઇને નિકળ્યો હતો.

બીએમડબ્લ્યુ કારમાં ચાલક સ્નેહલ પટેલ તો દારૂના નશામાં હતો જ પણ કારમાં સવાર અન્ય ત્રણ યુવક વિશાલ ધોંડીરામ મોરે (રહે. દર્શનમ એવન્યુ, પરશુરામ ભઠ્ઠાની બાજુમાં, સયાજીગંજ વડોદરા), સદ્દામભાઇ મોહંમદઅલી શેખ (રહે. રિઝવાન લેટ, તાંદલજા, વડોદરા) અને મક્સુદ મીરસાહબ સિંધા (રહે. સોહીલ પાર્ક, મરીયમ પાર્કની સામે, તાંદલજા, વડોદરા) દારૂના નશામાં ચૂર હતા. જે.પી. રોડ પોલીસે કારચાલક સહિત ચારેયની ધરપકડ કરી છે.

કારની અડફેટે મોતને ભેટેલ શાહીન શેખને સંતાનમાં ૧૫ વર્ષનો પુત્ર ઉમર અને ૧૧ વર્ષની પુત્રી ફાતિમા છે. માતાનું મોત થતાં બંનેએ કિશોરાવસ્થામાં જ માતા ગુમાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ પિતા અયાજ શેખ ઓ.પી.રોડ પર આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.

બીએમડબ્લ્યુ કાર મહારાષ્ટ્રના વેપારી જગદીશ માળીની માલિકીની હોવાનું બહાર આવ્યું છે. તેમણે કારના નંબરની કામગીરી માટે કાર શોરૂમમમાં આપી હતી. આ મામલે તેઓ બે દિવસમાં વડોદરા પોલીસ સમક્ષ નિવેદન આપવામાં હાજર થશે.