નવીદિલ્હી,
ભાજપ પદયાત્રાથી ૧ કરોડ ખેડૂતો સુધી પહોંચશે, ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. નવી દિલ્હીઆગામી વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ દેશના દરેક ખૂણાં સુધી પહોંચવાની તૈયારીઓ કરી લીધી છે. ભારત જોડો યાત્રા પૂરી કરનાર કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. તો, ભાજપ બજેટની જાહેરાતોના વ્યાપક પ્રચાર માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
આ ક્રમમાં, ખેડૂતોને બજેટની જાહેરાતો પહોંચાડવા અને તેમની પકડ મજબૂત કરવા માટે ભાજપ ૨૪ ફેબ્રુઆરીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. વર્ષભર ચાલનારી ઝુંબેશમાં એક લાખ ગામડાઓમાં પદયાત્રા કરીને એક કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
બીજેપી ક્સિાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે ’બજેટમાં સરકારે ઓર્ગેનિક ખેતી અને શ્રીઅન્ન (મોટા અનાજ) પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટની જાહેરાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ૬થી ૧૨ ફેબ્રુઆરી સુધી દેશભરમાં ક્સિાન ચૌપાલ યોજાશે.’૧૩ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ક્સિાન મોરચા, સોશિયલ મીડિયા અને પ્રાકૃતિક ખેતી સંબંધિત ટીમની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોમાં પણ ટ્રેનિંગ પૂરી થયા પછી એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. ક્સિાન સન્માન નિધિના ચાર વર્ષ પૂરા થવા પર ૨૪ ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવશે. નદીના કિનારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.
તમામ મુખ્ય નદીના કિનારે પદયાત્રાઓ કાઢવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં યુપીના મુઝફરનગરના શુક્રતાલ ખાતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરથી આની શરૂઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૨૯-૩૦ જાન્યુઆરીએ કર્ણાટકમાં આયોજિત ક્સિાન મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે મિશન ૨૦૨૪ માટે ખેડૂતો સુધી સક્રિયપણે પહોંચવું જરૂરી છે.
વારાણસીમાં તાજેતરમાં પૂરા થયેલા તમિલ સંગમમ કાર્યક્રમ પર, ભાજપ ઉત્તર ભારતના કાર્યકરો અને નેતાઓને દક્ષિણના પ્રખ્યાત સ્થળો પર લઈ જશે. જેમાં ભાજપના નેતાઓ સાંસ્કૃતિક, ધાર્મિક અને સ્થાપત્ય માટે પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. ત્યાં તે સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરશે, યાત્રા કરશે અને ધાર્મિક સ્થળોએ પૂજા કરશે. તેમનો હેતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણની જનસેના અને ટીડીપી આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને પડકારવા માટે એક્સાથે આવી છે. પવન કલ્યાણે પ્રદેશની યાત્રા પૂરી કરી દીધી છે. તેઓ ઈચ્છે છે કે ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી એનડીએમાં પાછા આવે, જો કે ભાજપ આ અંગે કંઈ કહી રહ્યું નથી. બીજી તરફ ટીડીપીના મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશે ૪,૦૦૦ કિલોમીટર લાંબી યુવા ગલમ યાત્રા કાઢી છે. આ યાત્રા ૮માં દિવસે શુક્રવારે બંગારુપલયમ પહોંચી હતી. જ્યાં પોલીસે તેનું વાહન પણ જપ્ત કર્યું હતું.
ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ પવન ખેરાએ કહ્યું હતું કે આ અભિયાનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ એક પેજની ચાર્જશીટ લોકોને મોકલવામાં આવી રહી છે. ૧૧ જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રજાવનિ યાત્રાનો પહેલો તબક્કો કર્ણાટકમાં પૂર્ણ થયો છે. શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે મુલબાગલથી અને પૂર્વ મુખ્યમંત્રી સદ્ધારમૈયાએ ઉત્તર કર્ણાટકના બસવકલ્યાણથી યાત્રાની શરૂઆત કરી હતી. તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ એ. રેવંત રેડ્ડી સોમવારથી યાત્રા શરૂ કરશે.
કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને મુખ્યંમંત્રી બસવરાજ બોમાઈના નેતૃત્વમાં ભાજપ જનસ્પંદન યાત્રા કાઢી રહી છે. અત્યારસુધી બન્ને નેતાઓએ ૬ જિલ્લા કવર કર્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામી જાન્યુઆરીથી પંચરત્ન રથયાત્રા પર છે. બે દિવસ પહેલા તેમની યાત્રા દાવણગેરે પહોંચી હતી.
તેલંગાણાના CM કેસીઆરે પાર્ટીને રાષ્ટ્રીય નામ આપીને રાજકીય મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે. બીજી તરફ, આંધ્રપ્રદેશના CM જગનમોહન રેડ્ડીની બહેન શર્મિલા રેડ્ડીએ ૨ ફેબ્રુઆરીથી તેલંગાણામાં પ્રજા પ્રસ્થાનમ પદયાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. તો, ભાજપ રાજ્યમાં કેસીઆર વિરુદ્ધ ૧૦ પ્રદેશોમાં ૧૧,૫૦૦ સભાઓ કરશે.