ગાંધીનગર,
ગાંધીનગરના રાયસણમાં ગુડાનાં મકાનમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેથી સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં સ્માર્ટ ટીવી, ડ્રેસ મટીરીયલ્સ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા પંડિત દિન દયાળ વસાહતમાં સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થવાની સાથે આગની ઘટના ઘટી છે. અહીં બ્લોક નંબર – બી /૦૦૩ માં રહેતાં સંગીતાબેન જાદવના પરિવારમાં પતિ અને ૧૭ વર્ષનો દિકરો પ્રિન્સ છે. સંગીતાબેન રસોઈ બનાવવાના કામ કરતા સિવાય ડ્રેસ મટીરીયલ્સનો પણ વેપાર કરે છે. આજે નિત્યક્રમ મુજબ સંગીતાબેન રસોઈ બનાવવા માટે ગયાં હતાં. જ્યારે તેમના પતિ અમદાવાદ જવા નિકળ્યા હતા. એ વખતે તેમનો ૧૭ વર્ષનો દિકરો પ્રિન્સ ઘરે એકલો હતો. ત્યારે ન્હાવા માટે રોજીંદી રીતે હીટરનાં રોડથી ડોલમા પાણી ગરમ કર્યું હતું. બાદમાં પાણી બરોબર ઊકળી ગયા પછી પ્રિન્સ ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો.
આ દરમિયાન અચાનક જ ઘરનાં રૂમમાં લગાવેલા સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઘરમાંથી ભયાનક બ્લાસ્ટનો અવાજ આવતા પ્રિન્સ બાથરૂમમાંથી નીકળીને બહાર દોડી ગયો હતો. જો કે, જોતજોતામાં આગની જવાળામાં સ્માર્ટ ટીવી, ટીપોઈ તેમજ ડ્રેસ મટીરીયલ્સ ભડભડ સળગવા માંડ્યા હતા.
બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના વસાહતીઓ પણ ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આ અંગે જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર કે જે ગઢવી સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પણ ઘરનો અમુક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે ફાયર બ્રિગેડની પ્રાથમીક તપાસમાં વોટર હીટરથી પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.