બીરભૂમ,
પશ્ર્ચિમ બંગાળના બીરભૂમ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે રાત્રે TMC નેતાનુ મોત થતા હાહાકાર મચી ગયો હતો. મારગ્રામ પોલીસે સમગ્ર વિસ્તારની શોધખોળ કર્યા બાદ તે રાતની ઘટનામાં છ લોકોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે પશ્ર્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી છે. પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષનો આરોપ છે કે હિંસક ઘટનાઓ વધી છે અને બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ સતત બની રહી છે.
બીરભૂમના મારગ્રામના હોસ્પિટલ મોડ વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ ૧૦ વાગે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તૃણમૂલ નેતાના ભાઈને ગંભીર હાલતમાં રામપુરહાટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ શેખ ન્યૂટનને રામપુરહાટ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાના કારણો વિશે હજુ સુધી માહિતી મળી નથી. જો કે, આ ઘટનામાં જીવ ગુમાવનારા ટીએમસી નેતા ન્યૂટન શેખના સંબંધીઓએ આ ઘટનાને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. તેના ભત્રીજા ફિરાઝુલ ઇસ્લામે પોલીસને જણાવ્યું કે તેના કાકાની હત્યા રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરોપી હુમલાખોરો હાલ સુધી ભાજપના સક્રિય કાર્યર્ક્તા હતા. પરંતુ તેઓ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા છે. પોલીસે ભત્રીજા ફિરાઝુલ ઈસ્લામની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસ આ ઘટના પાછળનું રાજકીય કારણ સ્વીકારવાનો ઇન્કાર કરી રહી છે.