- પાલિકા દ્વારા કૂવાના પાણી બંધ કરતાં ફરીથી પાણી ચાલુ કરાવવા મહિલાઓ નગર પાલિકા પહોંચી હતી.
ગોધરા,
ગોધરા નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ લથડી જતાં શહેરના કૂવાઓના પાણીની મોટરના બિલ ભરવાના ફાંફા પડતાં પાલિકા દ્વારા શહેરના 18 કૂવાઓમાંથી પાણી આપવાનું તા.1લી ફેબ્રુઆરીના રોજથી બંધ કરી દેતાં છેવાડાના ઘરો સુધી પાણી ન પહોંચતાં કેટલાક વિસ્તારની મહિલાઓ રોડ પર ઉતરીને પાલિકાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
એક બાજુ પગાર ચૂકવાતો નથી, બીજી બાજુ વીજ કંપની સ્ટ્રીટલાઇટ બિલ ન ભરતાં બંધ થઇ જતાં આકરી બનીને પાલિકા આર્થિક પરિસ્થિતિ કથડી ગયેલી હોવાને લઇને 18 કૂવાઓનું મસમોટા લાઇટ બિલ આવતાં અને પાણીનો વધારે વ્યય થઇ રહ્યો હોવાને લઇને કૂવાઓના પાણી આપવાનું બંધ કરી દીધા છે. પાલિકાએ કૂવાનું પાણી બંધ કરાવી દેતા ગોધરામાં પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
જેમાં ગોધરાની મોદીની વાડીની મહિલાઓએ કૂવાના પાણી બંધ રહેતા અને પાલિકાના પીવાના પાણી રામાયણ ઉભી થતાં વિસ્તારની મહિલાઓ પાલિકા પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓ ચીફ ઓફિસર અને નગર પાલિકા પ્રમુખને રજૂઆત કરવા ચેમ્બરમાં જતાં બંને જવાબદાર અધિકારી મળી આવ્યા ન હતા.
મહિલાઓએ પાલિકા પ્રમુખ ન મળતાં ચેમ્બરમાં જ વિરોધ દર્શાવવા મહિલાઓએ પાલિકા પ્રમુખ હાય…હાય…ના ગરબા ગાઇને વિરોધ કર્યો હતો. મહિલાઓને ચેમ્બરની અંદર ગરબે ઘૂમતી જોઇ અધિકારીઓ અને આવેલા અરજદારો ચકિત થઇ ગયા હતા. મોદીની વાડી વિસ્તારની મહિલાઓએ ગરબા ઘૂમીને અલગ પ્રકારનો વિરોધ દર્શાવીને પાણી આપવાની પોકાર કરી હતી.