ભારતને ટી ૨૦ વર્લ્ડ કપ અપાવનાર ૩૯ વર્ષીય જોગીન્દર શર્માએ નિવૃત્તિ લીધી

મુંબઇ,

વર્ષ ૨૦૦૭માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બધાને યાદ છે જોગીન્દર શર્મા, જે તે વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો હતા. જોગીન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે (૩ ફેબ્રુઆરી), ૩૯ વર્ષીય જોગીન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી.

હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર ૪ વનડે અને ૪ ટી૨૦ મેચ રમી છે. ખાસ વાત એ છે કે, તેણે પોતાના કરિયરની તમામ ટી ૨૦ મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને તેને ઈતિહાસ બનાવી દીધો. જ્યારે તેણે ૨૦૦૪માં ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું હતું અને ૨૦૦૭માં છેલ્લી વનડે રમી હતી. જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે, તે થોડા સમય પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રોફી પણ રમી રહ્યો હતો.

જોગીન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેણે બીસીસીઆઇ સચિવ જય શાહને મોકલ્યો છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગીન્દર શર્માએ લખ્યું છે કે, તેઓ બીસીસીઆઇ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગીન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેને સાથ આપ્યો. જોગીન્દર શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, અને અન્ય વિકલ્પો શોધવાની વાત કરી હતી.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૭નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અદ્ભુત સાબિત થયો. તે જ દિવસે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા ટી ૨૦ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન બની હતી. આ સાથે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ ૧૯૮૩ પછી વિશ્ર્વ ખિતાબ કબજે કરવામાં સફળ રહી. તે ફાઈનલની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૧૩ રનની જરૂર હતી. કેપ્ટન ધોનીએ બોલ એકદમ શિખાઉ બોલર જોગીન્દર શર્માને આપ્યો. મિસ્બાહ-ઉલ-હક ક્રિઝ પર હોવાને કારણે ભારતીય ચાહકોના શ્ર્વાસ રોકાયા હતા. દરેક જગ્યાએ સવાલો ઉઠવા લાગ્યા, આખરે જોગીન્દરને બોલિંગ કેમ આપવામાં આવી..?

પાકિસ્તાનને જીતવા માટે તે છેલ્લી ઓવરમાં ૧૩ રનની જરૂર હતી: જોગિન્દરે પહેલો બોલ વાઈડ નાખ્યો, ત્યાર પછીની બોલ જે વાઈડના બદલે ફેંકવામાં આવ્યો હતો, મિસ્બાહ ચૂકી ગયો, કોઈ રન નોંધાયો ન હતો, તે પછી જોગીન્દરે ફુલ ટોસ ફેંક્યો, જેના પર મિસ્બાહે સિક્સર ફટકારીને પાકિસ્તાનની આશાઓને ફરી જીવંત કરી, ત્યાર પછીની બોલ, આ બોલે ભારતને આનંદથી ઉછળવાનો મોકો આપ્યો. મિસ્બાહે સ્કૂપ શોટ રમ્યો અને બોલને શોર્ટ ફાઈન-લેગ તરફ ઉછાળી દીધો, જે શ્રીસંત દ્વારા કેચ થયો… મતલબ કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ અને ભારતે પહેલો ટી ૨૦ વર્લ્ડ કપ ૫ રનથી જીત્યો હતો.