સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરમાં ૩૭ સ્થળોએ તપાસ હાથ ધરી

નવીદિલ્હી,

નાણા વિભાગની એકાઉન્ટ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષામાં પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) જમ્મુ-કાશ્મીરમાં ૩૭ સ્થળો પર સર્ચ કરી રહી છે. સીબીઆઈના સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીર સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલી એકાઉન્ટ્સ સહાયક ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને જમ્મુ-કાશ્મીરમાં ૧૪ સ્થળોએ તપાસ કરી હતી.

તપાસ એજન્સીએ નાણાં વિભાગમાં એકાઉન્ટ્સ આસિસ્ટન્ટની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ બદલ આશરે ૨૦ લોકો સામે એફઆઈઆર પણ નોંધી છે. જેમાં જેકેએસએસબીના પૂર્વ સભ્ય નીલમ ખજુરિયા, સેક્શન ઓફિસર અંજુ રૈના અને મેડિકલ ઓફિસર કરનેલ સિંહનો સમાવેશ થાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં ૯૭૨ એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે ગયા વર્ષે ૬ માર્ચે જેકેએસએસબી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં આશરે ૧.૩૬ લાખ (૭૦ ટકા) ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરિણામ ૨૧ એપ્રિલે પ્રકાશિત થયું હતું.

પરીક્ષાના પરિણામો દર્શાવે છે કે જમ્મુ, કઠુઆ અને રિયાસી જિલ્લામાંથી સૌથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પછી પેપર લીક અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો થયા હતા. આ પછી, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ઓગસ્ટમાં ફાઇનાન્સિયલ એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ્સ (એફએએ) ની નિમણૂકો રદ કરી હતી અને પસંદગી પ્રક્રિયામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તપાસના આદેશ આપ્યા હતા. વહીવટીતંત્રે તમામ ઉમેદવારોને ખાતરી આપી હતી કે કથિત વિસંગતતાઓ માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને યોગ્યતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

પરીક્ષામાં ગેરરીતિ અંગે આક્ષેપો થયા બાદ જમ્મુ-કાશ્મીર સરકારે તેની તપાસ માટે તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિના રિપોર્ટમાં જેકેએસએસબીના અધિકારીઓ, બેંગલુરુ સ્થિત એક ખાનગી કંપની, લાભાર્થી ઉમેદવારો અને અન્ય લોકો વચ્ચે કથિત ષડયંત્રનો ખુલાસો થયો હતો. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે જેકેએસએસબીએ બેંગલુરુ સ્થિત એક ખાનગી કંપનીને પ્રશ્ર્નપત્ર તૈયાર કરવાની કામગીરી સોંપવામાં ધારાધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું.