નવરાત્રી દિવાળીના આગમનનું રણશિંગુ ફૂંકે છે. મુખ્ય ત્રણ દેવીનું અધિષ્ઠાન થાય છે: દુર્ગામાતા, લક્ષ્મીજી અને સરસ્વતી. દુર્ગામાતા ભક્તોના જીવનમાંથી દુર્ગતિ દૂર કરે છે અને મનને પાવન કરે છે, લક્ષ્મીજી ઐશ્વર્ય પ્રદાન કરે છે, સરસ્વતિ વિદ્યાની દેનાર છે. વિદ્યા એટલે માત્ર કમાવા કાજે વિદ્યાપિઠનું જ્ઞાન નહીં, પોતાના અંતરાત્માને ઓળખી તેને સતનો માર્ગ ચીંધનાર છે. હિંદુ સનાતન ધર્મમાં કળશ સ્થાપનાનુ મહાત્મ્ય છે. નવરાત્રિમાં માતાના 9 સ્વરૂપોની ચોકી સજાવીને તેની પૂજા થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા સાથે ઘટસ્થાપના થાય છે.
માતાની ચોકી સજાવતી વખતે ઘટ સ્થાપના થાય છે. ઘટ સ્થાપન માટે માટીનો ઘડો અથવા તાંબા કે ચાંદીનો લોટો લેવામાં આવે છે. તેના પર સ્વસ્તિક બનાવાય છે અને શ્રીફળ સ્થાપિત થાય છે. વિધિ વિધાન સાથે પૂજા કરી કળશ સ્થાપિત કરે છે. નવરાત્રીના આજના લેખમાં ન્યુઝ આયોગ તમને જણાવશે કે કળશ કેમ સ્થાપિત કરાય છે, સ્વસ્તિક અને શ્રીફળ મુકવાનુ શું મહત્વ છે. જવેરા વાવવા પાછળનું રહસ્ય.
કળશ સ્થાપનાનુ મહત્વ
કળશ મધ્ય સ્થાનથી ગોળાકાર અને મુખ નાનું હોય છે. પૌરાણિક કથન અનુસાર કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં મહેશ અને મૂળમાં સુષ્ટિના રચેયતા બ્રહ્માજીનુ સ્થાન છે. કળશના મઘ્ય સ્થાનમાં માતૃશક્તિઓનુ સ્થાન છે. કળશ તીર્થના પ્રતિક તરીકે પૂજાય છે. આ રીતે કળશની સ્થાપના આપણે વિશેષ રૂપે દેવી-દેવતાઓનુ એક સ્થાન આહ્વાન કરીએ છે.
કળશમાં કેમ ભરીએ છીએ જળ
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ખાલી ઘડો અશુભ હોવાથી કળશમાં જળ ભરીને મુકવામાં આવે છે. ભરેલો કળશ સંપન્નતાનુ પ્રતિક માનવામાં આવે છે. જળ ભરેલા કળશને ઘરમાં મુકવાથી સંપન્નતા આવે છે. કળશમાં ભરાયેલુ જળ મનનું કારક પણ છે. કળશના પવિત્ર જળની જેમ આપણુ મન પણ સ્વચ્છ અને નિર્મળ રહે. મનમા કોઈ પ્રકારની ઘૃણા, ક્રોધ અને મોહની ભાવનાનુ કોઈ સ્થાન ન હોય.
કળશ સ્થાપિત કરતી વખતે કળશના જળમાં દુર્વા, સોપારી અને ચોખા વગેરે ઉમેરવામાં આવે છે. તેના પર આંબાના પાન મુકવામાં છે. જેની પાછળનુ કારણ છે કે દુર્વામાં સંજીવનીના ગુણ, સોપારી જેવી સ્થિરતાના ગુણ, પુષ્પના ઉમંગ અને ઉલ્લાસના ગુણ વગેરે આપણી અંદર સમાહિત થઈ જાય.
કળશ પર શ્રીફળ મુકવાનુ મહત્વ
કળશ ઉપર લાલ રંગના કપડામાં નારિયળ સમેટીને મુકવામાં આવે છે. નારિયળ એ ગણેશજીનુ પ્રતીક છે એટલે એ પૂજાય છે. જે રીતે સમગ્ર કાર્યોમાં ગણેશજીની પૂજા થાય એ જ રીતે પૂજામાં સૌથી પહેલા કળશ પૂજન થાય છે. શ્રીફળથી પૂજા પૂર્ણ થાય છે.
કળશ પર સ્વાસ્તિક બનાવવાનુ મહત્વ
સ્વસ્તિક પણ ગણેશજીનુ પ્રતિક છે. દરેક શુભ કાર્યમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. માન્યતા છે કે આ ચિહ્નને બનાવવાથી શુભતા આવે છે. તેથી ઘરના દરવાજા પર પણ સ્વસ્તિક બનાવાય છે. કળશ પરનું સ્વસ્તિક આપણા જીવનની 4 અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાને દર્શાવે છે.
જવેરા વાવવાનું મહાત્મ્ય
રાત્રે કળશ સ્થાપના કરતી વખતે જવ વાવવાની પરંપરા છે. સુષ્ટિના નિર્માણ પછી સૌથી પહેલો પાક જવ હતો તેથી એ તે પૂર્ણ પવિત્ર છે. જવ સુખ સમૃદ્ધિ અને સંપન્નતાનુ પ્રતિક છે. જો જવ ઝડપથી અને ઘનત્વ સાથે વધે છે તો સુખ સંપન્નતા આવે છે.