ગોધરા,
એક યુવતીએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું હતું કે, હું આસામથી નોકરી અર્થે આવી છું. એક સ્થળે ઘરકામનું કહી મને કામ આપ્યું હતું. પરંતુ મારા માલિક મને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે અને ગેરકાયદેસર ગોંધી રાખી છે. યુવતીએ અભયમ ગોધરા રેસ્ક્યુ ટીમને મદદ માટે અપીલ કરતા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને માલિકના કબજામાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવ્યો હતો. ઘટનાની વિગતો જોઈએ તો, મૂળ આસામની ૨૨ વર્ષની યુવતી રોજગારી માટે ગુજરાત આવી હતી
જ્યાં ગોધરા ખાતે એક વ્યક્તિએ તેને ઘરકામ માટે દસ હજારના માસિક પગારે રાખી હતી. પરંતુ થોડા દિવસ બાદ તેણે યુવતીને શરીરે માલિશ કરવા, પગ દબાવવા જેવી કામગીરી કરવા અને આડકતરી રીતે તેને શારીરિક સંબંધ માટે જણાવતા યુવતી એ વિરોધ કર્યો હતો. વિરોધથી ઉશ્કેરાયેલ વ્યક્તિએ બહેનને ગેરકાયદેસર ગોંધી રાખી હતી અને ઘર બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. બિન ગુજરાતી એવી આસામીઝ યુવતીને અહીં કોઈ ઓળખતું ના હતું જેથી મદદ માટે કોને કહેવું તે અંગે મૂંઝવણમાં મૂકાયેલ તેણે મોબાઈલ સર્ચ કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન વિષે જાણકારી મળી હતી. તેણે તુરંત ફોન કરી પોતાની આપવીતી જણાવતા અભયમ ટીમ પોલિસને સાથે રાખી મદદ અર્થે આવી પહોંચી હતી. અભયમ ટીમે માલિકને આ અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે કોઈ દિલ્હીની વ્યક્તિએ તેને અહીં મોકલેલ છે અને મેં તેને ૪૫,૦૦૦/- પિયા આપ્યા છે. અભયમ ટીમે કડક રીતે માલિકને જણાવ્યું હતું કે કોઈપણ સ્ત્રીને શારીરિક સંબંધ માટે સીધી કે આડકતરી રીતે દબાણ કરવું ગુનો બને છે અને યુવતીને ગુનો નોંધાવવા અંગે પૂછ્યું હતું. જો કે યુવતીએ ગુનો નોંધાવવા અંગે અનિચ્છા દર્શાવી વતન પાછા ફરવા જણાવ્યું હતું, જેથી તેને યોગ્ય સ્થાને આશ્રય અપાવ્યો હતો. જે બદલ યુવતીએ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.