
મુંબઇ,
આઠમો મહિલા ટી ૦ વર્લ્ડ કપ ૧૦ ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થવા જઈ રહ્યો છે. ૧૭ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમો ભાગ લેશે. આ દરમિયાન કુલ ૨૩ મેચો રમાશે. ભારતની નજર પ્રથમ વખત ટાઈટલ જીતવા પર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે ૨૦૨૦માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અહિ વર્લ્ડ કપ વિશે તમામ વાતો જાણો.
ટૂર્નામેન્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકા ઉપરાંત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમો ભાગ લેશે.
યજમાન હોવાના કારણે દક્ષિણ આફ્રિકાએ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું હતું. તે પછી, ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી આઇસીસી રેક્ધિંગમાં, ટોચની સાત ટીમોને સ્થાન મળ્યું. આ પછી, ૩૭ ટીમોએ બે સ્થાનો માટે સ્પર્ધા કરી. બાંગ્લાદેશ અને આયર્લેન્ડે ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું.
આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ મેદાનો દ્વારા યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે. મહિલા ટી ૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચ ૧૦ ફેબ્રુઆરીએ કેપટાઉનમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ ૨૬ ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૧૦ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.ગ્રુપ-એમાં દક્ષિણ આફ્રિકાની સાથે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ ગ્રુપ-બીમાં ભારતની સાથે ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ છે. ભારત ૧૨ ફેબ્રુઆરીએ કેપટાઉનમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યાર બાદ ૧૫ ફેબ્રુઆરીએ આ જ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાશે. પોર્ટ એલિઝાબેથમાં અનુક્રમે ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે મેચ રમાશે.