કોલકતા,
કોલકાતા હાઈકોર્ટે બંગાળીઓ દ્વારા માછલીના સેવન પર વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં પરેશ રાવલને મોટી રાહત આપી છે. ગુરુવારે જસ્ટિસ રાજશેખર મંથાએ નિર્દેશ આપ્યો કે પરેશ રાવલની હાલ ધરપકડ ન કરવી જોઈએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મંથાએ કહ્યું, ’પોલીસ તપાસ ચાલુ રાખશે. પરંતુ પરેશની ધરપકડ કરી શકાશે નહી. અત્યારે તેમની સાથે માત્ર વર્ચ્યુઅલ પૂછપરછ જ થઈ શકશે. નોંધપાત્ર રીતે સીપીએમના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે કોલકાતા પોલીસે પરેશ રાવલને સમન્સ પાઠવ્યું હતું. મોહમ્મદ સમીએ ડિસેમ્બરની શરૂઆતમાં પરેશ રાવલ સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મંથાએ કહ્યું કે અત્યારે પરેશ રાવલની ધરપકડ કરવામાં આવશે નહી. અત્યારે પોલીસ તેમની વર્ચ્યુઅલ પૂછપરછ કરી શકે છે. તે પછી જે પણ માહિતી સામે આવશે તેના પર કોર્ટ નિર્ણય કરશે. કોર્ટની આ જાહેરાતથી રાવલને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પ્રચારમાં કહ્યું હતું કે, ગુજરાતની જનતા મોંઘવારી સહન કરી શકે છે. પરંતુ જો બાજુના ઘરમાં રોહિગ્યા શરણાર્થી અથવા બાંગ્લાદેશી આવી જાય તો ગેસ સિલિન્ડરનું શું કરે? બાંગ્લાદેશીઓ માટે માછલી તળશે? તેના પર ડાબેરી નેતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશી ઘૂસણખોરો પર હુમલો કરીને પરેશ રાવલે સમગ્ર બંગાળી રાષ્ટ્રનું અપમાન કર્યું છે.
માછલી ખાવા અંગેના નિવેદન પર થયેલા વિવાદ બાદ પૂર્વ સાંસદ પરેશ રાવલે માફી માંગી છે. પરંતુ વિવાદ ખૂબ વધી ગયો હતો. જો કે આ દરમિયાન પરેશ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. તે પૈકીની એક ફરિયાદ મોહમ્મદ સલીમે કરી હતી. તે ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે પરેશ રાવલને પૂછપરછ માટે કોલકાતા પણ બોલાવ્યા હતા.