દાહોદ,
દાહોદ જિલ્લામાં તારીખ 05.01.2023 થી તારીખ 31.01.2023 સુધીમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી કુલ 18 ગુન્હાઓ પૈકી 30 ગેરકાયદેસર વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો પાસેથી પાસબુક, કોરા ચેકો, સોનું, ચાંદી, ડાયરીઓ તેમજ સ્ટેમ્પ જેવા પુરાવાઓ હસ્તગત કરી તમામ વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ આગામી દિવસોમાં પણ વ્યાજખોરોના ત્રાસથી પીડીતોને પોલીસને જાણ કરવા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
દાહોદ જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરી કરતાં ઈસમો વિરૂધ્ધ પ્રજાજજોમાં જાગૃતતા ફેલાવી કુલ 52 લોક દરબાર યોજી નિર્ભયપણે રજુઆત કરવા જણાવતાં કુલ 18 ગુનાઓ વ્યાજખોરી કરતાં ઈસમો વિરૂધ્ધ દાખલ કરી સંડોવાયેલ કુલ 30 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામના ભોગ બનનાર પ્રજાજનોએ વ્યાજખોરી કરતાં આરોપીઓ પાસેથી રૂા.9,76,700 વ્યાજે લીધેલ જે ભોગ બનનાર પ્રજાજનોએ વ્યાજ સહિત રૂા.1,56,46,500 વ્યાજ સાથે ચુકવેલ તેમ છતાં હજુ વ્યાજખોરોએ રૂા.78,35,600 ની વધુ માંગણી કરી શોષણ કરતાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરતાં સામાન્ય નાગરીકોમાં સંતોષની લાગણી વ્યક્ત કરેલ છે. તેમજ વ્યાજખોરો પાસેથી બે પાસબુક, ત્રણ કોરો ચેક, 150 ગ્રામ સોનુ, 160 ગ્રામ ચાંદી, 03 ડાયરીઓ, 15 સ્ટેમ્પ વિગેરે હસ્તગત કરવામાં આવેલ છે. કુલ 38 અરજીઓ મળેલ હતી. આ અરજી પરથી ઉંડાણ પુર્વક તપાસ કરી કુલ 12 ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. આ લોક દરબારોમાં નાયબ પોલીસ મહાનીરીક્ષીક તથા પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત સરકારની વ્યાજખોરી દ્વારા થતાં શોષણ બાબતનો પ્રજાલક્ષી અભિગમ પરત્વે પ્રજાજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ વ્યાજખોરોની ઝુંબેશ કાયમ માટે ચાલુ રહેવાની છે. કોઈપણ નાગરીકને વ્યાજખોરી અંગેની રજુઆત હોય તો પોલીસને નિર્ભયપણે રજુઆત કરી શકે છે, તેમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જણાવ્યું હતું.
નાગરિકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બેન્કો મારફતે ખુબજ ઓછા વ્યાજના દરે ધિરાણ ઉપરાંત સબસીડી પણ આપવામાં આવે છે. જરૂરીયામંદ પ્રજાને કેટલાંક કિસ્સામાં આ પ્રકારની લોન ક્યાંથી મેળવવા તેના જ્ઞાનના અભાવે આવા વ્યાજખોરોની જાળમાં ફસાઈ જતાં હોય છે. આ પરિસ્થિતીનું નિર્માણ ટાળવા તેમજ સામાન્ય પ્રજાજનોને લોન, ધિરાણ મદદરૂપ થવા માટે અત્રેના જિલ્લામાં તારીખ 02.02.2023ના રોજ જિલ્લાના રાષ્ટ્રકૃત બેન્કો, સિડ્યુલ બેન્કો, સહકારી બેન્કો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ, ગુજરાત સ્ટેટ લાઈવ હુડ પ્રમોશન લિ. વિગેરેના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે અંગેની આયોજન કરવા માટે પરામર્શ કરી સંબંધિત વિભાગો સાથે મળી આગામી ટુંક સમયમાં દાહોદ જિલ્લાના નાગરિકો માટે ધિરાણ કેમ્પ તેમજ અલગ અલગ વિભાગોના સ્ટોલ સાથે તમામ યોજનાઓનું માર્ગદર્શન માટે દાહોદ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જરૂરીયાતમંદ નાગરિકોને ઉપસ્થિત રહેવા દાહોદ જિલ્લા પોલીસ જાહેર જનતાને અપીલ કરી હતી.