નવીદિલ્હી,
દિલ્હીની એક કોર્ટે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં તમામ આરોપીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે આબકારી નીતિના કેસમાં ઇડી મારફતે દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. પૂરક ચાર્જશીટમાં વિજય નાયર, શરથ રેડ્ડી, બિનોય બાબુ, અભિષેક બોઇનપલ્લી અને અમિત અરોરાના નામ છે. જો કે તપાસ એજન્સીએ પોતાની ચાર્જશીટમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી કર્યું.
તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટ હવે આ મામલે ૨૩ ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. આ સાથે જ કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હી સરકાર દ્વારા વકીલો પર કરોડો રૂપિયા ખર્ચ કરવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે આ કેસમાં વકીલોને ફી ચૂકવવા પાછળ અત્યાર સુધીમાં આશરે ૨૫.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
ઇડીએ દિલ્હીના કથિત દારૂ નીતિના કેસમાં તમામ આરોપીઓની સંપત્તિઓ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં વિજય નાયર, બિઝનેસમેન સમીર મહેન્દ્રુ, દિનેશ અરોરા અને અરુણ પિલ્લઇની ૭૨ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ઇડીએ આ કેસમાં બીજી ચાર્જશીટ ૬ જાન્યુઆરીએ દાખલ કરી હતી. જેમાં તપાસ એજન્સીએ કુલ ૧૨ આરોપીઓના નામ આપ્યા હતા. તેમાંથી પાંચની ધરપકડ થઈ ચૂકી છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હીની આબકારી નીતિ ૨૦૨૧-૨૨માં અનિયમિતતાનો આરોપ લગાવતા સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી, આ યોજના પ્રશ્ર્નાર્થ હેઠળ આવી. ત્યારે ગયા વર્ષથી લાગુ કરાયેલી એક્સાઇઝ પોલિસીને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારે સીબીઆઇ તપાસ બાદ આ વર્ષે જુલાઇમાં રદ કરી દીધી હતી. ઇડી હવે કથિત કૌભાંડમાં મની ટ્રેઇલની તપાસ કરી રહી છે.