ભાજપે મેઘાલયની તમામ ૬૦ બેઠકો માટે અને નાગાલેન્ડની ૨૦ બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા

નવીદિલ્હી,

મેઘાલયમાં આ મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન ભાજપે વિધાનસભા ચૂંટણી માટે તેના તમામ ૬૦ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ સાથે જ પાર્ટીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ૨૦ ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ્જેન ઇમના અલંગ અલંગટાકી વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડશે. બીજેપી પ્રવક્તા નલિન કોહલીએ જણાવ્યું કે, અમે નાગાલેન્ડમાં ૬૦માંથી ૨૦ સીટો પર ચૂંટણી લડીશું. બાકીની બેઠકો અમારા ગઠબંધન સહયોગી NDPPને આપવામાં આવી છે. અમે મેઘાલયની તમામ ૬૦ બેઠકો પર ચૂંટણી લડીશું. અમારી ટેગલાઇન છે ’એમ પાવર મેઘાલય’ એટલે કે મોદીએ મેઘાલયને તાકાત આપી છે. ત્યાં ડબલ એન્જિન સરકાર રચાશે. બીજેપી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદી અને અમિત શાહને મળ્યા બાદ તમામ ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે.

ચૂંટણી પંચે ગત ૧૮મી જાન્યુઆરીએ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ માર્ચે એક સાથે જાહેર કરવામાં આવશે.

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં એક સમાનતા એ છે કે ત્રણેય રાજ્યોમાં બહુમતીનો આંકડો ૩૧ છે. કારણ કે ત્રણેય રાજ્યોમાં વિધાનસભા બેઠકોની સંખ્યા ૬૦ છે. ઉમેદવારો ત્રિપુરામાં ૨૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી, મેઘાલય અને નાગાલેન્ડમાં ૩૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રિપુરામાં ૨ ફેબ્રુઆરી અને મેઘાલય-નાગાલેન્ડમાં ૧૦ ફેબ્રુઆરી છે.

ભાજપના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી ટૂંક સમયમાં મેઘાલયની મુલાકાતે આવશે અને અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પીએમ ૧૧ ફેબ્રુઆરીના રોજ રાજ્યની મુલાકાત કરી શકે છે. હાલમાં મેઘાલયમાં ભાજપ પાસે માત્ર ૨ બેઠકો છે.