સુરત,
ડિંડોલીમાં બનેલી એક ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. જેમા પત્ની બીજા લગ્ન કરવા જઇ રહી હતી જેની જાણ પતિને થતા મુંબઇથી સીધો સુરત લગ્નના મંડપમાં પહોંચી ગયો. પતિ સાથે તેની બહેન અને માતા પણ હતા. બીજી તરફ પત્નીના પિયરપક્ષે ધમકી આપતાં પતિએ પોલીસ પણ બોલાવી લીધી હતી. પોલીસે પત્ની રિનલ સાબલે, તેના પિતા રમેશ નરવડે, સુનિતા નરવડે, તેજલ નરવડે અને અનિકેત બોરાડે ( રામાયણ પાર્ક, નવાગામ ડિંડોલી) સામે ગુનો દાખલ કર્યો હતો. મુંબઇમાં રહેતા ફરિયાદી સ્વપનિલ તાનાજીના પ્રેમલગ્ન વર્ષ ૨૦૧૭માં તેની જ મામાની દીકરી રિનલ સાથે મુંબઇમાં થયા હતાં. જેની નોંધણી મુંબઇ મહાનગરપાલિકામાં કરાવેલી પણ છે.
મુંબઈના ઘાટકોપર ( વેસ્ટ ) સ્થિત ભટવારી કાજુપાડા સુભદ્રા નિવાસ ચાલ નં.૧ રૂમ નં.૨ માં રહેતા ૩૩ વર્ષીય રીક્ષા ચાલક સ્વપનીલ તાનાજી સાબલેને સુરતના નવાગામ ડિડોલી સીએનજી પંપ પાસે રામાયણ પાર્ક ઘર નં.૪૦૪ માં રહેતા સગા મારફતે પત્નીના બીજા લગ્ન અંગે જાણ થઈ હતી. મામા રમેશ વિષ્ણુ નરવર્ડની પુત્રી રીનલ સાથે વર્ષ ૨૦૧૪થી પ્રેમ હતો. બંનેએ મામા- મામીની નારાજગી વચ્ચે ડિસેમ્બર ૨૦૧૭માં મુંબઈના બાંદ્રામાં ગણેશ મંદિરમાં લગ્ન કરી તેની નોંધણી મુંબઈ ખાતે કરાવી હતી.
જોકે, મામા- મામી લગ્નના પાંચમા દિવસે મુંબઈ આવ્યા હતા અને રીતરિવાજ મુજબ લગ્ન કરાવીશું તેમ કહીને રીનલને સુરત લઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે સ્વપનીલનો ફોન રિસીવ કરવાનું બંધ કરી કોઈ લગ્ન નહીં થાય તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્વપનીલ વિરુદ્ધ રીનલના અપહરણની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી.
જામીન મુક્ત થયા બાદ સ્વપનીલે મુંબઈની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો અને તે હાલ ચાલુ જ છે. આ દરમિયાન ત્રણ દિવસ પહેલા જ સ્વપનીલને સોશિયલ મીડિયા મારફતે રીનલના ૩૧ જાન્યુઆરીએ લગ્નની પત્રિકા સોશિયલ મીડિયામાં મળતા તે માતા અને બે બહેનો સાથે સુરત દોડી આવ્યો હતો.
રીનલના ઘર નજીક સાંઇ સમર્થન પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલતા હતા ત્યારે સ્વપનીલે ત્યાં પહોંચી રીનલના પિતા, માતા સુનીતાબેન અને મોટી બહેન પોલીસે તેની ધરપકડ કરી હતી. તેજલને રીનલના મારી સાથે છુટા છેડા થયા નથી અને તમે કેમ બીજા લગ્ન કરો છો તેમ કહેતા તમામે તેને ધાકધમકી આપતા સ્વપનીલે આ અંગે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે. ફરિયાદમાં યુવતીનો પરિવાર પોતાનું ઘર બંધ કરીને ગુમ થયા હોવાની વાતો સામે આવી રહી છે.