વડાપ્રધાન મોદી જુનમાં અમેરિકાના પ્રવાસે જશે

નવીદિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જૂનમાં અમેરિકાનો પ્રવાસ કરે તેવી શકયતા છે. બાઈડન તંત્ર દ્વારા અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરવા સાથે પ્રવાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે બાઈડન તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રવાસનું આમંત્રણ અપાતા બન્ને દેશોના અધિકારીઓ શિડયુલ તૈયાર કરવા લાગ્યા છે.

જુન-જુલાઈની તારીખો પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમયગાળામાં અમેરિકામાં સેનેટ તથા પ્રતિનિધિસભા યોજાતી હોય છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીનુ કોઈ આંતરરાષ્ટ્રીય શિડયુલ પણ નથી. અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્ર, વ્હાઈટ હાઉસમાં ડીનર જેવા કાર્યક્રમો સામેલ કરવાના થતા હોવાથી સમગ્ર સમયપત્રક વ્હેલુ તૈયાર કરવાનું રહે છે.

વડાપ્રધાન મોદીને અમેરિકા પ્રવાસનું નિમંત્રણ કયારે અપાયુ હતું અને બાઈડન તંત્રમાંથી કોણે આપ્યુ તે હજુ સ્પષ્ટ નથી. સૂત્રોના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદી માટે આગામી સપ્ટેમ્બર સૌથી વ્યસ્ત મહિનો રહેવાનો છે. ભારત જી-૨૦નુ યજમાન છે અને સપ્ટેમ્બરમાં શિખર સંમેલન યોજવાનુ છે તેમાં અમેરિકી પ્રમુખ સહિતના દેશોના નેતાઓ સામેલ થશે ત્યારબાદ વિવિધ રાજયોની વિધાનસભા ચૂંટણીઓના પ્રચારમાં તેઓ વ્યસ્ત થઈ જશે.