હવે તો મરી જઈશ પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું : નીતીશ કુમાર

પટણા,

સીએમ નીતીશ કુમાર ફરી ગુલાંટ મારશે અને ભાજપ સાથે ગઠબંધન કરી લેશે તેવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. બિહારમાં સત્તાધારી જેડીયુમાં પણ જારી ખેંચતાણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટી જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે હવે તો મરી જઈશ પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું.

નીતીશ કુમારે કહ્યું કે અમે તો અટલજીને માનવાવાળા લોકો છીએ. અમે ભાજપનો સાથ છોડી દીધો હતો પણ તેઓ જ જબરદસ્તી અમારી પાછળ આવ્યા. ૨૦૨૦માં તો હું મુખ્યમંત્રી બનવા માગતો પણ નહોતો. એ તો બધા જ જાણે જ છે. અમે લોકોએ તેમને ઘણું માન આપ્યું.

મુખ્યમંત્રી નીતીશે કહ્યું કે આ વખતે ચૂંટણી થવા તો દો. બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટો આવે છે. નીતીશ કુમારની આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે તેમની પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા તેમની સામે સતત નિશાન તાકી રહ્યા હતા. જદયુના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા જ્યારે રુટીન ચેકઅપ માટે એઈમ્સમાં દાખલ થયા હતા ત્યારે તેમની મુલાકાત લેવા ભાજપના ત્રણ નેતાઓ પહોંચી ગયા હતા અને ત્યારથી અટકળોનો બજાર ગરમાયો હતો.