ડીએમકે નેતાનું વિવાદાસ્પદ નિવેદન- મેં જ ત્રણ મંદિરો તોડ્યા, ખબર હતી કે વોટ નહીં મળે

મદુરાઈ,

તમિલનાડુના સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ટીઆર બાલુએ એક વિવાદાસ્પદ નિવેદનમાં શનિવારે કહ્યું કે તેમણે વિકાસ સંબંધિત પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અનેક પ્રસંગોએ ધાર્મિક વિશ્ર્વાસો સાથે સમાધાન કર્યું છે. મદુરાઈમાં સેતુસમુદ્રમ પ્રોજેક્ટના સમર્થનમાં એક જાહેર સભામાં બોલતા ડીએમકે નેતાએ પ્રોજેક્ટ માટેના તેમના પ્રયત્નો વિશે વાત કરી હતી.

ટીઆર બાલુએ કહ્યું, ‘મારા મતવિસ્તારમાં ગ્રાન્ડ સદર્ન ટ્રંક રોડ (જીએસટી) પર સરસ્વતી મંદિર, લક્ષ્મી મંદિર અને પાર્વતી મંદિર તોડી પાડવામાં આવ્યા હતા. મેં ફક્ત આ ત્રણ મંદિરો તોડ્યા છે. હું જાણું છું કે મને મત નહીં મળે, પણ હું એ પણ જાણું છું કે મને કેવી રીતે મત મળશે. મારા સમર્થકોએ મને ચેતવણી પણ આપી હતી કે જો મંદિરો તોડવામાં આવશે તો મને મત નહીં મળે. પણ મેં તેને કહ્યું કે બીજો કોઈ રસ્તો નથી.’

ડીએમકે સાંસદે કહ્યું,‘મેં મંદિરની જરૂરિયાત જણાવી. મેં વધુ સારી સુવિધાઓ સાથે વધુ સારા મંદિરો બનાવ્યા. આ રીતે ઘણી જગ્યાએ મેં ધામક માન્યતાઓને પરિપૂર્ણ કરીને વધુ પ્રોજેક્ટ પૂરા કર્યા. DMK  સાંસદ બાલુએ સેતુસમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટને અટકાવવા માટે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રનો પ્રોજેક્ટ રોકવાનો નિર્ણય રસ્તાની વચ્ચે અચાનક ટ્રેનને રોકવા જેવો છે’.

બાલુએ આરોપ લગાવ્યો કે વૈજ્ઞાનિક અથવા તર્કસંગત વિચારસરણી લાગુ કરવાને બદલે કેન્દ્ર સરકાર ધાર્મિક કારણોસર પ્રોજેક્ટને અટકાવી રહી છે. તેમણે દાવો કર્યો કે આ પ્રોજેક્ટથી હવે દર વર્ષે ૭૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે.

અન્નામલાઈએ ટ્વિટર પર કહ્યું ડીએમકેના લોકો ૧૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરોને તોડીને ગર્વ અનુભવે છે. આ જ કારણ છે કે અમે હિંદુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ડિપાર્ટમેન્ટે વિસર્જન કરવા માંગીએ છીએ અને મંદિરોને સરકારની પકડમાંથી મુક્ત કરવા માંગીએ છીએ.