દાણચોરીથી ત્રણ કરોડનું સોનું મુંબઈ લાવનારા પિતા-પુત્રની ધરપકડ

મુંબઈ,

કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) દુબઈથી દાણચોરીથી અંદાજે ત્રણ કરોડ રૂપિયાનું સોનું મુંબઈ લાવનારા પિતા-પુત્રની ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ધરપકડ કરી હતી. એઆઈયુએ પકડી પાડેલા પિતા-પુત્રની ઓળખ મિકાઈલોવ ફેગ (૬૫) અને મિકાઈલોવ હુસેન (૩૨) તરીકે થઈ હતી. બન્ને જણ અઝરબૈજાનનો પાસપોર્ટ ધરાવે છે.

અધિકારીના જણાવ્યા મુજબ પિતા-પુત્ર શુક્રવારની લાઈટમાં દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા હતા. શંકા જતાં ઍરપોર્ટ પર તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. તેમની પાસેથી અંદાજે ત્રણ કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. પિતા-પુત્રનાં શનિવારે નિવેદન નોંધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો. વળી, કોઈ પણ દસ્તાવેજો પર સહી કરવાની ના પાડી હતી. પરિણામે બન્નેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીનું કહેવું છે. એઆઈયુ દ્વારા કોર્ટમાં જણાવાયું હતું કે આરોપીઓને જામીન પર છોડવામાં આવશે તો તે દેશબહાર જઈ શકે છે અને પુરાવા સાથે ચેડાં કરી શકે છે. આ દાણચોરીનું મોટું કૌભાંડ હોઈ શકે છે અને તેની ઊંડાણથી તપાસની જરૂર છે.