લખનૌ,
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટી૨૦ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ફિન એલેનની વિકેટ ઝડપીને મોટી સિદ્ધિ હાસિલ કરી હતી. તે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સર્વાધિક વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમારને પાછળ છોડ્યો છે. ભુવનેશ્ર્વરે ભારત માટે ૯૦ વિકેટ લીધી હતી, જ્યારે ચહલના નામે હવે ૯૧ વિકેટ થઈ ગઈ છે.
લખનઉમાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં યુઝવેન્દ્ર ચહલને ફાસ્ટ બોલર ઉમરાન મલિકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચહલે કેપ્ટનના વિશ્ર્વાસને સાર્થક કર્યો અને પહેલી ઓવરમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટર ફિન એલેનને આઉટ કર્યો હતો. આ યુઝવેન્દ્ર ચહલના ટી૨૦ આંતરરાષ્ટ્રીય કરિયરની ૯૧મી વિકેટ હતી. એટલે કે તે ભુવીને પાછળ છોડી ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
યુઝવેન્દ્ર ચહલે ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમારનો રેકોર્ડ તોડ્યો છે. જેના નામે ૯૦ વિકેટ છે. ચહલે ૭૫ મેચમાં ૯૧ વિકેટ લીધી છે. અશ્ર્વિન આ લિસ્ટમાં ૭૨ વિકેટની સાથે ત્રીજા નંબરે છે. બુમરાહના નામે ૭૦ વિકેટ છે અને તે ચોથા સ્થાન પર છે. પાંચમાં નંબર પર હાર્દિક પંડ્યા છે, જેના નામે ૬૪ વિકેટ છે.
ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બોલર ટીમ સાઉદીના નામે છે. જેણે ૧૦૭ મેચમાં ૧૩૪ વિકેટ લીધી છે. બીજા નંબર પર શાકિબ અલ હસન (૧૨૮ વિકેટ) છે. રાશિદના નામે ૧૨૨ વિકેટ છે, જ્યારે ઈશ સોઢીના નામે ૧૧૨ વિકેટ છે.