ઇસ્લામાબાદ,
ભયાવહ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર દેવું વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ખોટી આર્થિક નીતિઓને કારણે છેલ્લા એક વર્ષમાં દરેક પાકિસ્તાની નાગરિક પર દેવાંનો બોજ ૨૧ ટકા જેટલો વધીને ૨,૧૬,૭૦૮ રૂપિયા થઇ ગયો છે.
પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટમાં નાણાં મંત્રાલયના વાર્ષિક રિપોર્ટના હવાલાથી કહેવાયું હતું કે ગયા વર્ષની મહેસૂલી નીતિઓએ દેશમાં આર્થિક અસ્થિરતાના બી વાવ્યા હતા. તેને કારણે દેવું સતત વધી રહ્યું છે. અખબારના અનુસાર દેશની શરીફ સરકારે મહેસૂલ નીતિ નિવેદન ૨૦૨૨-૨૩ જારી કર્યુ હતું. તે બંધારણીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલો એવો દસ્તાવેજ છે જેની કલ્પના ૧૮ વર્ષ પહેલાં નેશનલ એસેમ્બ્લીને અર્થવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ વિશે સૂચના આપવા માટે કરાઇ હતી. પાકિસ્તાનમાં વ્યક્તિ દીઠ દેવું જૂન ૨૦૨૧ના ૧,૭૯,૧૦૦ રૂપિયાના સ્તરથી વધીને જૂન ૨૦૨૨માં ૨,૧૬,૭૦૮ થઇ ગયું છે.
જૂન ૨૦૨૨ સુધીમાં કુલ જાહેર ૠણ વધીને ૪૯.૨ ટ્રિલિયન રૂપિયા થઇ ગયું છે. જે ૨૦૨૩માં નવા આર્થિક સંકટને કારણે વધુ વધી શકે છે. એક વર્ષમાં વ્યક્તિ દઢ દેવામાં ૧/૫ થી વધારાની વૃદ્ધિ તે ગતિ દર્શાવે છે કે જે ગતિએ દેશ દેવાંના બોજ હેઠળ દબાઇ રહ્યો છે. નાણાં મંત્રાલયે ૨૨.૭ કરોડની વસતીની ધારણા પર પ્રતિ વ્યક્તિની ગણતરી કરી હતી.