ચંડીગઢ,
જેલમાં કેદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ કહ્યું હતું કે કુખ્યાત ગુનેગારો અને કટ્ટર અપરાધીઓ એટલું જ નહીં દુષ્કર્મીઓને પણ સરકારની નીતિઓ દ્વારા રાહત અપાઈ શકે છે પરંતુ મારા પતિને જ રાહત આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધુ ૧૯૮૮ના રોડ રેઝ કેસમાં પટિયાલાની સેન્ટ્રલ જેલમાં એક વર્ષથી કેદ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામી ગઈ હતી. આ મામલે નવજોત કૌરે ટ્વિટ કરીને જણાવ્યું કે કુખ્યાત ગુનેગારો, માદક પદાર્થોની તસ્કરી કરતા રીઢા ગુનેગારો, કટ્ટર અપરાધી તથા દુષ્કર્મીઓને પણ જામીન આપી દેવાય છે અને સરકારની નીતિઓ દ્વારા તેમને રાહત પણ મળી જાય છે પણ એક ઇમાનદાર વ્યક્તિ કે જેણે કોઈ ગુનો નથી કર્યો તે ન્યાય અને કેન્દ્ર દ્વારા અપાયેલી રાહતથી જ વંચિત છે.
કોંગ્રેસના પંજાબ એકમના અનેક નેતાઓએ પટિલાયા જેલથી નવજોત સિંહ સિદ્ધુને સમયથી પહેલા મુક્ત ન કરવા અંગે રાજ્યની આમ આદમી પાર્ટી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શમશેર સિંહ ઢિલ્લો, પૂર્વ સાંસદ મોહિન્દર સિંહ કેપી, પૂર્વ ધારાસભ્ય અશ્ર્વિની સેખરી, નવજોત સિંહ ચીમા અને રાજિન્દ્ર સિંહ આપ સરકારના વિરોધમાં પટિયાલામાં સિદ્ધુના નિવાસે એકઠા થયા હતા.