નવીદિલ્હી,
રાહુલ ગાંધીની લગભગ ૧૫૦ દિવસની પદ યાત્રા ૩૦ જાન્યુઆરીને સોમવારે સમાપ્ત થઈ રહી છે. ભારત જોડો યાત્રાના સમાપન નિમિત્તે કાશ્મીરમાં એક મોટો મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે સમાપન સમારોહમાં ઓછામાં ઓછા ૧૨ વિરોધ પક્ષો હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૧ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાકે સુરક્ષાના કારણોસર હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીડીપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેમની પાર્ટીના નેતાઓ સમારોહમાં ભાગ લેશે નહીં.
સૂત્રોથી જાણવા મળ્યું હતું કે, સ્દ્ભ સ્ટાલિનની આગેવાની હેઠળના દ્રવિડ મુનેત્ર કઝગમ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી , તેજસ્વી યાદવની આગેવાનીવાળી રાષ્ટ્રીય જનતા દળ,નીતીશ કુમારની જનતા દળ (યુનાઇટેડ), ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ(એમ), સીપીઆઈ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી , કેરળ કોંગ્રેસ, ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળની જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તી ની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા શ્રીનગરના સમારોહમાં ભાગ લેશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ભાઈ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાયા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુતીએ પણ અવંતીપોરાની યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન કોંગ્રેસ તરફથી પુરતી સુરક્ષા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે યાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી હોવાનો ઇન્કાર કર્યો હતો. આરોપોને નકારી કાઢતા, વિસ્તારના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે શનિવારે કહ્યું કે ઓપરેશન દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી રહી નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ૨૭ જાન્યુઆરીની સુરક્ષા ચુકની ઘટના અંગે પત્ર લખ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં ભારત જોડો યાત્રા માટે પૂરતી સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે તેમના અંગત રીતે તેના પર ધ્યાન આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, અમે આગામી બે દિવસમાં શ્રીનગરમાં ૩૦ જાન્યુઆરીએ યોજાનારી યાત્રા અને ઉજવણીમાં હાજરી આપવા માટે એક વિશાળ મેળાવડાની અપેક્ષા રાખીએ છીએ. આ દિવસે યોજાનાર સમાપન સમારોહમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને અન્ય મહત્વપૂર્ણ રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો તમે આ મામલે અંગત રીતે સંબંધિત અધિકારીઓને ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં યોજાનારી યાત્રા અને ઉજવણીના સમાપન સુધી પૂરતી સુરક્ષા પૂરી પાડવાની સલાહ આપી શકો, તો હું તમારો આભારી રહીશ. રાહુલ ગાંધીએ ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. રાહુલે આ સમયગાળા દરમિયાન ૩,૯૭૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી અને ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી યાત્રા ૩૦ જાન્યુઆરી ૨૦૨૩એ કાશ્મીરમાં સમાપ્ત થવાની છે.