અમદાવાદ,
માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ઈસનપુર, બાપુનગર, એલિસબ્રિજ, મેઘાણીનગર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો.તો બીજી તરફ દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.
માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી ૨૪ કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની રહેશે. આગામી ૨૪ કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે. જોકે આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન ૮ ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આગામી ૨૪ કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.