દાહોદ ગોવિંદનગર વિસ્તારમાં બંધ મકાનોના તાળાતોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતાં પંથકમાં ખડભળાટ

દાહોદ,

દાહોદ શહેરમાં આવેલ ગોવિંદનગર વિસ્તારમાંથી એક સાથે 6થી 7 બંધ મકાનોમાં તસ્કરોએ મોડી રાત્રીના સમયે ચોરીના પ્રયાસો સાથે ઘરના દરવાજાના તાળા તોડી ચોરી કરી હોવાનું જાણવા મળે છે. સત્તાવાર રીતે પોલીસ ચોંપડે ફરિયાદ નોંધાંવવા પામી નથી પરંતુ એક સાથે 7 જેટલા મકાનોમાં તસ્કરોએ ચોરી કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામી હતી. શહેરના નેત્રમ સીસીટીવી કેમેરા સહિત રહેણાંક મકાનો તરફ લાગેલ સીસીટીવી કેમેરા વામળા સાબિત થયાં હતાં તે સાથે પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.

દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારએ સતત ચોવીસે કલાક ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલ છે ત્યારે ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ગોવિંદનગર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીના બે મકાનો, ચેતના સોસાયટીનું એક મકાન, ભાગ્યોદન સોસાયટીના બે મકાનો, અશોક એપાર્ટમેન્ટનું એક મકાન તેમજ અન્ય એક સોસાયટી મળી કુલ 6થી 7 મકાનોમાં તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જેમાં એક મકાનમાં ચોરી થઈ છે તેમજ અન્ય મકાનોમાં અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીના પ્રયાસો કરવામાં આવ્યાં છે. ગતરોજ રાત્રીના ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. શહેરમાં આવેલ નેત્રમ સીસીટીવી કેમેરા સહિત ગોવિંદનગર વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરા વામળા સાબિત થયાં છે. પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે. તસ્કરો ભરચક એવા ગોવિંદનગર વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરીઓને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા ચોરોને તાત્કાલિક ઝબ્બે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.