ગોધરા,
તાજેતરમાં રોટરી ક્લબ ગોધરા, સ્પંદન ફાઉન્ડેશન ગોધરા, તથા સત્ય સાંઈ એકેડેમી ગોધરાના સંયુક્ત ઉપક્રમે “રસ્તા વસંતના” અંતર્ગત ભવ્ય કવિ સંમેલન સત્ય સાંઈ એકેડેમી ગોધરા ખાતે ભારે દબદબાભેર સંપન્ન થયું. જેમાં મહીસાગર, દાહોદ, વડોદરા અને પંચમહાલના કવિઓએ પોતાની કવિતાઓ વહેતી મૂકી હતી. નગરના સુગ્ન શ્રોતાજનોની જીવંત હાજરીમાં નામી કવિઓ ડો.કુમાર જૈમિનિ શાસ્ત્રી, પીયૂષ પરમાર, ડો.મહેશ પટેલ, મોહસીન મીર ‘સ્પર્શ’, મહેન્દ્ર પરમાર ‘ફોરમ’, દિલીપસિંહ પુવાર, રાજેન્દ્ર પરમાર ‘ક્ષિતિજ’, મણિલાલ પરમાર ‘મણિરાજ’, ઝલક પટેલ, ઉર્વશા બારડ, જીબીશા પરમાર ‘શમા’, ઈસ્હાક શિકારી, તથા વનરાજસિંહ સોલંકીએ સ્વરચિત કાવ્યો રજૂ કરી વાસંતી વાતાવરણ ખડું કર્યું હતું. પંચમહાલ જિલ્લાના પ્રખર સાહિત્યકાર અને સંચાલક ડો.કુમાર જૈમિનિ શાસ્ત્રીએ પોતાની આગવી શૈલીમાં મુશાયરાનું સંચાલન કરી મહેફિલને ચાર ચાંદ લગાવ્યા હતા. સ્પંદન ફાઉન્ડેશનના કાર્યકર્તા મોહસીન મીર, ડો.મહેશ પટેલ, તથા મહેન્દ્ર પરમારે અનુક્રમે શાબ્દિક સ્વાગત, સ્પંદનની આગામી કાર્યક્રમની રૂપરેખા તથા આભારવિધિ કરી કાર્યક્રમને આકાર્યો હતો. સત્યસાંઈ એકેડેમીના સંચાલક અશોકભાઈ રાજગૌર અને મેહુલભાઈએ ઉપસ્થિત કવિઓને પ્રતીક પુરસ્કાર આપી નવાજ્યા હતા. નોબલ એકેડેમીના આયોજક શ્રી નિતેશભાઇ ગંગારામાણી પણ આ આયોજનમાં સહાયભૂત રહ્યા હતા.