ગોધરા,
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી પંચામૃત ડેરીની સ્થાપના થયે 50 વર્ષ પૂર્ણ થતાં પંચમહાલ ડેરી દ્વારા 50 વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ રમત ગમતની સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ પંચામૃત ડેરી દ્વારા 50 વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે મેરેથોન રન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધીની વયના ડોક્ટર, શિક્ષક, વેપારી અને સ્થાનિક આગેવાનો સહિતના 1500 જેટલા મહિલા અને પુરૂષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો,જે સ્પર્ધાનું 18 થી 40 અને 41 થી 58 વર્ષ સુધીના પુરૂષ સ્પર્ધકો માટે બે અલગ-અલગ કેટેગરી જ્યારે 18 થી 40 અને 41 થી 58 વર્ષના મહિલા સ્પર્ધકો માટે પણ બે અલગ-અલગ કેટેગરી આમ ચાર કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ મેરેથોન રન સ્પર્ધાનું પંચામૃત ડેરીના મેનેજીંગ ડિરેક્ટર મિતેષ મહેતા અને જનરલ મેનેજર ચિરાગ પટેલે પંચામૃત ડેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું અને વિભાજીત કરવામાં આવેલ કેટેગરી પ્રમાણે પંચામૃત ડેરી થી ભુરાવાવ ચોકડી, બસ સ્ટેન્ડ અને ચર્ચ સર્કલ થઈ પંચામૃત ડેરી ખાતે પરત આવીને 5 થી 7 કિલોમીટર રન સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા 12 જેટલા વિજેતા સ્પર્ધકોને પંચામૃત ડેરીના અધિકારીઓ દ્વારા શિલ્ડ, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા સાથે જ તેઓને પંચામૃત પ્રોડક્ટ્સ ગિફ્ટ હેમ્પર જેવા પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવ્યા હતા. આ મેરેથોન સ્પર્ધાના કાર્યક્રમમાં પંચમહાલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર મિતેષ મહેતા, જનરલ મેનેજર ચિરાગ પટેલ, પ્લાન્ટ જનરલ મેનેજર એફ.એસ. પુરોહિત, કોર્મિશયલ જનરલ મેનેજર સંકેત કાછીયા તેમજ પી.ડી.સી. બેંકના મેનેજીંગ ડિરેક્ટર રશેષ શાહ અને પંચામૃત ડેરીના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.