સાઉદી અરબની ભારતીય સ્કૂલમાં ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

  • ગુજરાતની ઝાંખીએ જમાવટ કરી.

દમામ,

ભારતમાં તો ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોએ પણ ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરી. ખાડી દેશ સાઉદી અરેબિયાના ઇસ્ટર્ન પ્રોવિન્સમાં આવેલા દમામ શહેરમાં ભારતીય દૂતાવાસ સંચાલિત ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કૂલ  દમામમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૩, ગુરુવારના રોજ સવારે કાતિલ હવા અને વરસાદી માહોલ હોવા છતાં ભારતના ૭૪માં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

દમામ શહેરમાં સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ મહેનાઝ ફરીદ, સ્કૂલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં સવારે ૮ વાગે ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ શરૂ થયો હતો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન મૌઝમ દાદને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી વજવંદન કરાવ્યું હતુ.

આ વર્ષે ગણતંત્ર દિવસ પર ભારતના ૧૦ રાજ્યોની ઝાંખી પદર્શિત કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતની ઝાંખીમાં એક્તાનું પ્રતીક્સમાન સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર ડેમ, કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક આપતા કચ્છ તથા મીઠાંના સફેદ રણ અને કુદરતની ખોળામાં ખેલતી વન્યસૃષ્ટિની સોડમ ફેલાવતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને દર્શાવનામાં આવ્યાં હતાં. ઝાંખીની શરૂઆતમાં લગાવેલા ૧૧ ભાષામાં લખવામાં આવેલા ‘ગુજરાત’ ના બેનરે સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. આ સાથે અન્ય બેનર્સમાં ગુજરાતની હસ્તકલા, વિશ્ર્વકક્ષાએ નામના મેળવેલાં સ્મારકો, પતંગોથી રંગબેરંગી બનેલું આકાશ પણ દર્શાવવામાં આવ્યું હતુ. ઝાંખીની સાથે સાથે ગુજરાતી વિદ્યાર્થીઓએ સંગીતના તાલે સૌ કોઇ ઝુમવા લાગે તેવું જોશીલું ગરબા પરફોર્મન્સ પણ આપ્યું.

આજની વિશેષ ઉજવણીમાં ગુજરાત રાજ્ય ઉપરાંત બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની ઝાંખીઓ પદર્શિત કરવામાં આવી. જેને ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક માણી. આ દરમિયાન જોરદાર વરસાદ ચાલુ થતાં બાકીનો કાર્યક્રમ સ્કૂલના સાંસ્કૃતિક હોલમાં ઉજવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આઇઆઇએસડી ભારતની બહાર ભારતીય દૂતાવાસ દ્વારા સંચાલિત એશિયાની સૌથી મોટી સ્કૂલ છે. વર્તમાન સમયમાં તેમાં કેજીથી લઇને ધોરણ ૧૨ સુધીમાં અંદાજે ૧૪,૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ સ્કૂલમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૨ ટકા જેટલી જ છે. આમ છતાં, દેશના ગર્વ અને દેશભક્તિના જોશ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ‘દમામ-ખોબર ગુજરાતી સમાજ’ની સહભાગિતાથી માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં શાનદાર ઝાંખી તૈયાર કરવામાં આવી. એમ કહી શકાય કે, ગુજરાતની ઝાંખી થકી સાઉદીમાં વસતી ગુજ્જુ ગૃહિણીઓએ તેમનામાં છૂપી કલાત્મક્તાની ઝાંખી પદર્શિત કરી.