નવીદિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. ભારત જ નહીં વિદેશોમાં પણ તેમની ખુબ લોકપ્રિયતા છે. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાલ નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો નથી પરંતુ એક સર્વેમાં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો પીએમ મોદીના ઉત્તરાધિકારી જણાવવામાં આવે તો સૌથી યોગ્ય કોણ હશે.
ઈન્ડિયા ટુડે અને સી વોટરે એક સર્વેમાં દેશની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વેમાં પીએમ મોદીના ઉત્તરાધિકારીને લઈને પણ લોકોના મૂડની જાણકારી મળી છે. આમ તો મોટી સંખ્યામાં જનતા પીએમ મોદીને નંબર-૧ પર રાખી રહી છે. ૫૨.૫ ટકા લોકો એવા છે જેણે ૨૦૨૪ માટે પણ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ પર પોતાની પહેલી પસંદ જણાવ્યા છે. પીએમ મોદીના ઉત્તરાધિકારી બનવા માટે જે નેતાઓ રેસમાં છે, તેમાં પહેલા નંબર પર અમિત શાહ છે. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને કાંટાની ટક્કર આપી રહ્યાં છે.
પીએમ મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં ૨૬ ટકા લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સમર્થન કર્યું છે. ૨૫ ટકા લોકો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદ કરી રહ્યાં છે. નીતિન ગડકરી પણ આ રેસમાં છે. લગભગ ૧૬ ટકા લોકો એવા છે જે નીતિન ગડકરીને આ પદ માટે યોગ્ય માને છે. પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે ૬ ટકા લોકોની પસંદ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ છે.