ઉદ્યોગો અને વિદેશી રોકાણકારો માટે ગુજરાત પહેલી પસંદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વડોદરા,

ગુજરાત વિદેશી રોકાણકારો માટે ઉદ્યોગો સ્થાપવા આખા દેશમાં સૌથી વધારે પસંદગીનુ રાજ્ય છે તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વડોદરામાં કહ્યુ હતુ.

વડોદરાના ઉદ્યોગોના સંગઠન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના મેગા એક્ઝિબિશનનુ ઉદઘાટન કરવા માટે આવેલા ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં કહ્યુ હતુ કે, ગુજરાતમાં આજે ૮.૬૬ લાખ એમએસએમઈ એટલે કે નાના, મધ્યમ અને લઘુ કદના ઉદ્યોગો છે.એમએસએમઈ અર્થતંત્રની કરોડ રજ્જુ માનવામાં આવે છે.ગુજરાતના ઉદ્યોગો કોરોનાની કટોકટીમાંથી બહાર આવી ગયા છે.અમે્રિકામાં લોકોની નોકરીઓ જઈ રહી છે ત્યારે ભારતમાં લોકોને નવી નોકરીઓ મળી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, ગુજરાત દેશનુ ગ્રોથ એન્જિન છે.ઉદ્યોગો રોકાણ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી રહ્યા છે.વિદેશી રોકાણકારો માટે પણ ગુજરાત પહેલી પસંદગી છે.કાર્ગો હેન્ડલિંગ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, માળખાકીય સુવિધા વગેરેમાં ગુજરાત દેશમાં ટોચના સ્થાને છે.દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮ ટકા છે અને દેશના ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો ૧૮ ટકા છે.

મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ડિફેન્સમાં પણ સૌથી વધારે રોકાણ ગુજરાતમાં થઈ રહ્યુ છે અને તેમાં પણ વડોદરા મોખરે છે.વડોદરા આગામી વર્ષોમાં એવિએશન સેક્ટરનુ હબ બનશે.ગુજરાતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે.ડબલ એન્જિનની સરકારનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે.

વડોદરામાં ઉદ્યોગો લાંબા સમયથી કન્વેન્શન સેન્ટરની માંગણી કરી રહ્યા છે.વીસીસીઆઈના મેગા એક્ઝિબિશનના ઉદઘાટન સત્રમાં ફરી એક વખત આ માંગણી ઉઠી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ પોતાના ઉદબોધનની શરુઆત પહેલા જ વડોદરામાં કન્વેન્શન સેન્ટર બનાવવાની ખાતરી આપી હતી.