- મેલબર્નમાં ભાવુક સ્પીચમાં કહ્યું- ૧૮ વર્ષ પહેલાં અહીંથી જ કરિયર શરૂ કર્યું હતું.
મેલબર્ન,
ભારતની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું બ્રાઝિલની જોડી લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે રગદોળી નાખ્યું હતું. ૩૬ વર્ષની સાનિયા અને ૪૨ વર્ષીય રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલના લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગયા હતા. લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે.
ફાઈનલ મેચ બાદ જ્યારે સાનિયાને મેલબર્ન રોડ લેવર એરેનામાં ભાષણ માટે બોલાવવામાં આવી ત્યારે તે રડી પડી હતી. તેણે કહ્યું – આ ખુશીનાં આંસુ છે. ૧૮ વર્ષ પહેલાં મેલબર્નમાં કરિયરની શરૂઆત થઈ હતી, એને પૂરી કરવા માટે મેલબર્નથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. મને અહીં ઘરની અનુભૂતિ કરાવવા બદલ આપ સૌનો આભાર.
તેણે લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું હતું કે તે બંને ખૂબ જ સારી રીતે રમ્યાં. તેઓ જીતવા લાયક હતાં. તેણે તેની સાથે રમવા બદલ રોહન બોપન્નાનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેણે રોહન સાથે પહેલી મિક્સ્ડ જોડી બનાવી. તેને ૨૨ વર્ષથી ઓળખે છે. તે એક સારા પાર્ટનરની સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે.
સાનિયા-બોપન્નાની જોડીએ પ્રથમ સેટ ટાઇબ્રેકમાં ૬-૭થી ગુમાવ્યો હતો. ૫૪ મિનિટના સેટમાં સાનિયા-બોપન્નાએ શરૂઆતમાં પાછળ રહ્યાં બાદ વળતો સંઘર્ષ કર્યો, પરંતુ અંતે ટાઈબ્રેકમાં હારી ગયાં. આ જ બીજા સેટમાં પણ બ્રાઝિલની જોડીએ તેમને કમબેક કરવાની તક આપી ન હતી અને સેટ ૬-૨થી જીતી લીધો હતો.
સાનિયા-બોપન્નાએ છ વર્ષ પહેલાં ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની વાત કરીએ તો મિર્ઝા ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહેશ ભૂપતિ સાથે ચેમ્પિયન બની હતી. સાનિયા મિર્ઝા પહેલાં જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. વર્ષની શરૂઆતમાં તેણે ટેનિસ વેબસાઈટ wtatennis.com ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ૧૯ ફેબ્રુઆરીથી દુબઈમાં WTA ૧૦૦૦ ઈવેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તે પછી તે નિવૃત્ત થઈ જશે.
મેલબોર્નમાં બુધવારે રમાયેલી સેમી-ફાઈનલ મેચના ત્રીજા સેટમાં બ્રિટનના નીલ સ્કુપ્સકી અને અમેરિકાની ડેસિરે ક્રોક્ઝિકની જોડી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય જોડીને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે ત્રીજી સીડ જોડી ખસી ગઈ ત્યારે મેચ એક-એકથી ટાઈ થઈ હતી. ભારતીય જોડીએ મેચનો પ્રથમ સેટ ૭-૬થી જીતી લીધો હતો. ત્યારબાદ બ્રિટિશ-અમેરિકન જોડીએ બીજો સેટ ૭-૬થી જીતીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. ભારતીય ખેલાડીઓએ છેલ્લા સેટની દસ ગેમ જીતી હતી.
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ભારતીય જોડીને તેમના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સ્પેનની વેગા હર્નાડેઝ અને લાતવિયાની જેનેના ઓસ્તાપેક્ધોએ વોકઓવર આપ્યો હતો. આ જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉરુગ્વેની એરિયલ બેહર અને માકોટો નિનોમિયાની જોડીને ૬-૪ ૭-૬થી હરાવીને ટોપ-૮માં સ્થાન મેળવ્યું હતું.
સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં શોએબ મલિકથી છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. જોકે આ અંગે બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બાદમાં સાનિયાએ શોએબ મલિક સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હવે તે હૈદરાબાદ અને દુબઈમાં એકેડમી ચલાવશે.