- રોડ ઉપર ખાડાઓને લઈ વાહનચાલકોને અકસ્માતનો ભય.
- સવારે બાળકો ભરેલ રિક્ષા પલ્ટી જવાનો બનાવ : સદ્નસીબે જાનહાનિ નહિ.
ગોધરા,
ગોધરા પાલિકા વિસ્તારમાં બાવાની મઢીથી સૈયદવાદા સુધી પાણીની પાઈપલાઈન માટે માર્ગનુ ખોદકામ કરવામાં આવ્યુ છે. પાણીની પાઈપો નાંખ્યા બાદ યોગ્ય પુરણ નહિ કરવામાં આવતા જાહેર માર્ગ ઉપર મોટા ખાડાઓ પડેલ છે જેને લઈ વાહનચાલકો તથા રાહદારીઓને અને દુકાનદારાને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાની ધીમી કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા શહેરના બાવાની મઢીથી નગરપાલિકા સૈયદવાડા સુધી જાહેરમાર્ગ ઉપર ખોદકામ કરીને પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. જાહેર અને ટ્રાફિકની ભરચક વિસ્તારમાં માર્ગ ઉપર ખોદકામ કરીને પાણીની પાઈપો નાંખવામાં આવી છે. પાણીની પાઈપો નાંખ્યા બાદ રસ્તાની ખોદકામવાળી જગ્યાએ યોગ્ય પુરાણ કરવામાં ન આવ્યુ હોવાથી રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે. રસ્તા ઉપર ખોદકામ બાદ રસ્તો ઉબડ ખાબડ થતાં રસ્તા ઉપરથી પસાર થતાં રાહદારીઓ-વાહનચાલકો તેમજ દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. રસ્તાના ખોદકામ કર્યા બાદ નગરજનોની સુવિધાને ઘ્યાનમાં રાખીને રસ્તાનુ યોગ્ય પુરાણ કરવામાં આવ્યુ ન હોવાથી દ્રિચકી વાહનચાલકો પડી જવાના કિસ્સાઓ બની રહ્યા છે. તેમાં પણ દુકાનો આગળ ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહિ કરવામાં આવતા દુકાનોમાં ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. રસ્તાના ખોદકામ બાદ રસ્તાના યોગ્ય સમારકામના અભાવે ઉભી થયેલ સમસ્યાને લઈ દુકાનદારો પાલિકામાં રજુઆત માટે ગયા હતા. ખખડધજ બનેલ રસ્તાને લઈ નગરપાલિકા તરફની સ્કુલના બાળકો ભરીને આવતી રિક્ષા પલ્ટી જવાનો બનાવ બન્યો હતો. સદ્નસીબે બાળકોને જાનહાનિ થઈ ન હતી. ત્યારે તંત્ર સૈયદવાડાથી બાવાની મઢી સુધીના વિસ્તાર રસ્તાની વેળાસર સમારકામ કરાવે તે જરૂરી છે.
બોકસ :
બે દિવસમાં રોડની કામગીરી શરૂ કરાશે : પાલિકા પ્રમુખનુ આશ્ર્વાસન
ગોધરા પાલિકા પ્રમુખ સંજય સોનીએ જણાવ્યુ કે , સૈયદવાડા વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહિશોની રસ્તાના સમારકામ માટેની રજુઆત મળી છે. જાહેર માર્ગ ઉપર ખાડાઓ ખોડીને પાઈપલાઈન નાંખવામાં આવી છે જેને લઈ અમુક પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાયુ છે. તેને લઈ ખાડાઓ ખોદવામાં આવ્યા છે. તેનુ સમારકામ કરવામાં આવશે. બાવાની મઢીથી પાલિકા સુધી પાઈપલાઈનનુ કામ પુર્ણ થવાની તૈયારી છે બે દિવસમાં કોન્ટ્રાકટર દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવશે.