બોટાદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં રાજકોટમાં ટોળેટોળાં રસ્તા પર ઊતર્યા

  • પોલીસ સાથે રકઝક અને ગાળાગાળી થઈ.

રાજકોટ,

ગત ૧૫ જાન્યુઆરીના રોજ બોટાદમાં દેવીપૂજક સમાજની ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે રાજકોટમાં પણ દેવીપૂજક સમાજ દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ન્યાય આપો, ન્યાય આપો, બાળકીને ન્યાય આપો’ સહિતના સૂત્રોચ્ચાર સાથે દેવીપૂજક સમાજે આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી. આ સમયે પોલીસ અને દેવીપૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક થઈ હતી. તેમજ પોલીસે ટોળાં વિખેરવા માટે પ્રયાસ કરતા લોકો ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા.

દેવીપૂજક સમાજના મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. કલેક્ટર કચેરીથી જ્યારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. યુવાનો રસ્તા પર ઉગ્ર બનીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. બાદમાં પોલીસ કમિશનર કચેરીએ ટોળેટોળાં એકત્ર થતા અને સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને વિખેરવા પ્રયાસ કર્યો હતો. પોલીસ ટોળાને વિખેરી રહી હતી ત્યારે અમુક યુવાનો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે છેક રેસકોર્સ રિંગરોડ સુધી ટોળાને વિખેરવા જવું પડ્યું હતું. તેમ છતાં લોકો રોષે ભરાઇને આરોપીને સજા આપો સજા આપોના સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા.

૧૫ જાન્યુઆરીએ બોટાદમાં દેવીપૂજક સમાજની ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને દેવીપૂજક સમાજ દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી પોલીસ કમિશનર કચેરી સુધી દેવીપૂજક સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં બહુમાળી ચોક નજીક થોડીવાર માટે વાહન-વ્યવહાર રોકી દેવીપૂજક સમાજના લોકો દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

દેવીપૂજક સમાજના નરેશભાઈ ધામેચાએ જણાવ્યું હતું કે, બોટાદમાં અમારા સમાજની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. સરકાર એક્તરફ ‘બેટી બચાઓ, બેટી પઢાવો’ની વાતો કરે છે. ત્યારે આ પ્રકારે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તેને દાખલારૂપ કડકમાં કડક સજાની માગ દેવીપૂજક સમાજ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ અંગે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

દેવીપૂજક સમાજના વિનુભાઈ ચેલાએ જણાવ્યું હતું કે, અમારા સમાજની એક દીકરી પર બોટાદમાં દુષ્કર્મ થયું છે. તેના ન્યાય માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ. અમારું કહેવાનું એટલું છે કે, સાહેબ જલદીમાં જલદી અને જેટલું બને તેટલું ઝડપી આ દીકરીને ન્યાય અપાવો અને આ દીકરી માટે કાંઇક ન્યાય કરો. ખાલી દેવીપૂજક સમાજની દીકરી નહીં પણ સર્વ સમાજની આવી દીકરીઓને ન્યાય મળે તે માટે બેટી બચાવો, બેટી પઢાવોનો નારો ખરા અર્થમાં સાબિત કરો. આવી ઘટના બીજીવાર ન બને તેવી સજા આપો.

બોટાદના ઢાંકણિયા રોડ પર ૧૫ જાન્યુઆરીની સાંજે ૯ વર્ષની માસૂમ બાળકી પતંગ લૂંટવા ગઈ હતી. ત્યારે ગઢડા રોડ પર શિવનગર સોસાયટીમાં રહેતો રાજુ ઉર્ફે રાજેશ દેવસંગભાઈ ચૌહાણ તેને ખંડેર ક્વાર્ટરમાં લઈ જઈને અર્ધનગ્ન કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકીની લાશને પી.એમ માટે ખસેડી હતી. બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા એસ.પી. કિશોર બળોલિયા અને ડી.વાય.એસ.પી. મહષ રાવળ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ત્રણ ટીમ બનાવી હતી.

જેમાં પી.આઇ વી.બી દેસાઈ બોટાદ જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.બી. સોલંકી, એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. સોલંકી તેમજ સ્ટાફના રામદેવસિંહ મોરી, મયૂરસિંહ ડોડિયા, અરવિંદભાઈ મકવાણા, બળભદ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ડોડિયા સહિત પોલીસ આ આરોપીને શોધવા કામે લાગી ગયા હતા. જેને લઈ ૧૬/૧/૨૩ સાંજના ચાર કલાકે આ દુષ્કર્મ અને હત્યાના આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવુભાઈ ઉર્ફે દેવસંગ ચૌહાણને બાતમીના આધારે તુરખા રોડ ભડિયા પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. આમ બોટાદ જિલ્લા પોલીસે બાળકીના દુષ્કર્મ અને હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી રાહતનો દમ લીધો હતો.